વિઘ્નહર્તાના ઉત્સવને ગણતરીના દિવસો પણ મૂર્તિકારોના માથે અનેક વિઘ્નો

અમદાવાદ- અમદાવાદના હોલીવૂડ નામે પ્રખ્યાત ગુલબાઇ ટેકરા પરથી પસાર થાઓ તો આ વર્ષે ગણેશની મૂર્તિઓની સંખ્યા ઓછી જોવા મળેશે. કારણ, ગુલબાઇ ટેકરામાંથી પસાર થતાં તમામ માર્ગો પર મૂર્તિ બનાવતાં અને વેચતાં સ્થાનિક લોકો દ્વારા દબાણ કરાતું હોવાથી અ.મ્યુ.કો એ આ વર્ષે થોડું વધારે કડક વલણ અપનાવ્યું છે.

 

એક તરફ મંદી, પી.ઓ.પી ની મૂર્તિઓ દ્વારા ઉત્સવ નહીં ઉજવવાની સરકાર અને સંસ્થાઓની અપીલ તેમજ મૂર્તિઓની હાઇટમાં પણ ઘટાડો કરવાની બાબત આ વર્ષે મૂર્તિકારોને નડી રહી છે.

ગણેશ ઉત્સવના મહિના પૂર્વે આ વિસ્તાર આખોય મૂર્તિઓથી ભરાઇ જાય છે .પરંતુ હાલ છુટી છવાઇ જગ્યાએ મૂર્તિઓ માર્ગો પર બનતી-વેચાતી જોવા મળે છે.
ગુલબાઇ ટેકરા પર રહેતા અને મૂર્તિ બનાવતા કારીગરો ચિત્રલેખા.કોમને કહે છે , આ વર્ષે સરકારની સખ્તાઇ વધારે છે. દબાણ વાળા વારંવાર આવી માર્ગો ખુલ્લા કરી જાય છે. મોટાભાગના લોકો ઘરમાં જે પ્રમાણે જગ્યા છે એ પ્રમાણે ગોઠવણ કરી મૂર્તિઓ બનાવી અને વેચી રહ્યા છે.
બીજી તરફ ગુલબાઇ ટેકરા બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ આવ્યું છે ત્યાં મૂર્તિકારોના એક જૂથને મ્યુનિસિપલ બગીચામાં મૂર્તિઓ વેચવાની છુટ આપવામાં આવી છે. પણ આ આખાય વિસ્તારના કેટલાક લોકો પોતાના ઘરની આસપાસ જ ધંધો કરવાની જીદ અને ઇચ્છા રાખતા હોય છે.
ગણેશ ઉત્સવ અને અન્ય તહેવારમાં મૂર્તિઓ બનાવી તેમજ અન્ય દિવસોમાં બેલ્ટ, ઘડીયાળો તેેમજ અન્ય રોજગારી દ્વારા પેટિયું રળતા મૂર્તિકારો ને મોટેભાગે માટીની મૂર્તિઓ બનાવવાની જ સૂચના આપવામાં આવી રહી  છે. પરંતુ આ વર્ષે પણ પીઓપી તેમજ માટીની મૂુર્તિઓનું વેચાણતો મોટે પાયે થઇ રહ્યું છે.
કારણ પીઓપીની મૂર્તિઓ પ્રમાણમાં સસ્તી હોય છે.  ગરીબીથી છુટવા અને રોજગારી ઝંખતા વિઘ્નહર્તાની મૂર્તિના બનાવતા કારીગરોને માર્ગો પર જ ધંધો કરવામાં વિઘ્નો વધી રહ્યા છે..!!
પ્રજ્ઞેશ વ્યાસ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]