બંગલાદેશમાં મંદિરો પર હુમલા સામે અમેરિકામાં વિરોધ-પ્રદર્શન

કેલિફોર્નિયાઃ બંગલાદેશ અને પાકિસ્તાનમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરી હત્યા કરવાના બનાવો બન્યા છે, જેનો ચારે બાજુ ભારે વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા પણ આજે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ-પ્રદર્શનમાં ઇસ્કોનના ભક્તો તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ એમાં પ્લે-કાર્ડ સાથે જોડાયા હતા. તેમણે બંગલાદેશ સરકારને કટ્ટરવાદી તત્ત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વચ્ચે છેલ્લા થોડા દિવસોમાં બંગલાદેશના ઇસ્કોન સહિતનાં મંદિરો અને હિન્દુ પર હુમલા કરવામાં આવ્યા હતા. કટ્ટરવાદી તત્ત્વોએ મંદિરોમાં તોડફોડ કરી હિન્દુઓની હત્યા કરી હતી, જેની સામે ભારતમાં તો પ્રદર્શન થયું જ હતું, જ્યારે હવે અમેરિકામાં વસતા ભારતીયોએ પણ વિરોધ-પ્રદર્શન યોજી આ હિંસક હુમલાનો વિરોધ કર્યો છે.

લોસ એન્જલસમાં બંગલાદેશના કોન્સ્યુલેટ જનરલની ઓફિસ બહાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ, લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડન્ટ પી. કે. નાયક, એસએમએપીના વિજય પાટીલ, સર્ધન કેલિફોર્નિયા હિન્દુ સંઘના તથા ઇસ્કોનના હરિભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા- ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમનાં’ સૂત્રો બોલાવી ઇસ્કોનના હરિભક્તો દ્વારા ધૂન કરવામાં હતી.

યોગી પટેલે જણાવ્યું હતું કે બંગલાદેશના હિન્દુ લઘુમતીઓને નિશાને લઈને હત્યાઓ કરવામાં આવી રહી છે જેને અમે વખોડીએ છે. તેમણે બંગ્લાદેશની સરકાર હિન્દુ લઘુમતીઓને રક્ષણ આપે તથા કટ્ટરવાદી તત્ત્વો સામે કાર્યવાહી કરે તેવી માગ કરી હતી. લોસ એન્જલસના બંગલાદેશ કોન્સ્યુલેટ જનરલે એક પ્રેસનોટ જારી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે બંગલાદેશ સરકાર દ્વારા બંધારણીય આપવામાં આવેલા અધિકારની જાળવણી માટે પ્રતિબદ્ધ છે અને બંગલાદેશ સરકાર ત્યાંના દરેક લોકોને જે અધિકારો મળ્યા છે. તેને રક્ષણ કરવાની ખાતરી આપે છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]