અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. આ વખતે રાજ્યની ચૂંટણીમાં ગુજરાત મોડલ, રાજસ્થાન મોડલ વિરુદ્ધ દિલ્હી મોડલની ચર્ચા શરૂ થઈ છે, જે આરોપ-પ્રત્યારોપ સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં ચૂંટણીને એટલા માટે મહત્ત્વની માનવામાં આવે છે, કેમ કે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું આ ગૃહ રાજ્ય છે.
રાજ્યની ચૂંટણીમાં વડા પ્રધાન અને શાહે ભાજપના ચૂંટણીપ્રચારની બાગડોર સંભાળી છે, જ્યારે કેજરીવાલે મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત અને પાર્ટીના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના ચૂંટણીપ્રચાર કમાન સંભાળી છે.
આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ રાજ્યમાં એક પછી એક ચૂંટણી ગેરન્ટી આપીને મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમની પર રેવડી કલ્ચરનો આરોપ લાગ્યો છતાં તેઓ રાજ્યની મુલાકાત વખતે નવી-નવી ગેરન્ટીની જાહેરાત કરતા રહે છે. આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હી મોડલ અને પંજાબ મોડલની ચર્ચા કરી રહી છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને પાણી તેમ જ મફત વીજળીની વાત છે. આ ઉપરાંત કેજરીવાલે મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1000 અને યુવાઓને રૂ. 3000 બેરોજગારી ભથ્થું આપવાની ગેરન્ચી આપી ચૂક્યા છે.
રાહુલ ગાંધીએ આઠ વચનો દ્વારા ખેડૂતોનાં દેવાં માફ, વીજ બિલ માફની મફત વીજળી, બેરોજગારી ભથ્થાં વગેરે આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ રાજ્યમાં રાજસ્થાન અને છત્તીસગઢ મોડલની ચર્ચા કરી રહી છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશી જણાવે છે કે રાજસ્થાનમાં કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ, રૂ. 10 લાખ સુધીની સારવાર, દવા ફ્રી વગેરે જેવી વાતો છે.
બીજી બાજુ, ભાજપ- વડા પ્રધાન મોદી સૌનો સાથ, સૌનો વિશ્વાસના ભરોસે છે મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ કહે છે ભાજપ મફત આપવાની વાત નથી કરતો. ગુજરાતી લોકો લેવામાં નહીં, આપવામાં માને છે. સમાજને જેવી જરૂર હશે એવી સુવિધા ભાજપ ઉપલબ્ધ કરાવશે.