રાજસ્થાનના પાલી જિલ્લામાં વિહાર કરતી જૈન સાધ્વી પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. આ હિટ એન્ડ રનની ઘટના બાદ સમગ્ર જૈન સમુદાયમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદમાં શ્વેતાંબર જૈન સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો, સાધુ-સાધ્વીજીઓ અને યુવાઓ જોડાયા હતા.

વાસણા વિસ્તારમાંથી શરૂ થયેલી રેલી પ્રીતમનગર અખાડા સુધી નીકળી હતી, જ્યાં શાંતિસભા યોજાઈ. આ દરમિયાન ધર્મગુરુઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. જૈન સમાજના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ આ બનાવને ‘અકસ્માત નહીં પરંતુ ષડયંત્ર’ ગણાવતાં આરોપ મૂક્યો કે હિટ એન્ડ રનના બનાવો હકીકતમાં ટાર્ગેટ કરેલી હત્યાઓ છે.
જૈન સમુદાયે માંગ કરી કે કેન્દ્ર સરકાર આ મામલે વિશેષ તપાસ માટે એસઆઇટી રચે અને તમામ દોષિતોને કડક સજા થાય. જૈન સમાજના આગેવાનોનું કહેવું છે કે, “છેલ્લા થોડા સમય દરમિયાન હિટ એન્ડ રનના બનાવોમાં જૈન સંતોને નિશાન બનાવી હત્યાઓ કરવામાં આવી છે. છેલ્લા બે અઠવાડિયામાં 4 જૈન સાધુઓના મોત એ વાતની ગંભીરતા દર્શાવે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયકાળમાં સાધુ-સંતો માટે અલગ પદયાત્રા માર્ગ બનાવવાની રજૂઆત થઈ હતી, પણ આજે સુધી બની નથી.” જૈન સમાજે શાંતિપૂર્ણ પણ દ્રઢ અવાજે પોતાની માંગણીઓ મુકી છે.


