અમદાવાદઃ ‘મા તુજે સલામ’ હિન્દી ફિલ્મના ગીતને રાજ્યના જૂનાગઢમાં માતા અને પુત્રએ સાકાર કર્યું છે. સ્વતંત્રતા દિવસે પોલીસ ઇન્સ્પેક્ટર માતાએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેટ ઓફ પોલીસને સલામ કરી ત્યારે માહોલ ભાવુક થયો હતો. રાજ્ય સરકારના રાજ્ય સ્તરીય સ્વતંત્રતા દિવસ આ વખતે જૂનાગઢમાં ઊજવવામાં આવ્યો હતો. આ સમારોહ પછી પોલીસ અધિકારીના પુત્રએ સલામ કરતી પોલીસ અધિકારી માતાનો ફોટો ગુજરાતમાં ઇન્ટરનેટમાં વાઇરલ થયો છે. જૂનાગઢના પોલીસ લાઇનમાં મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર મધુબહેન રબારી તથા તેમના પુત્ર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિશાલ રબારીનો ફોટો છે.મધુબહેન જણાવે છે કે વિશાલ જ્યારે ચાર વર્ષનો હતો ત્યારથી પોલીસમાં જવાનાં સપનાં જોતો હતો. માતા પોલીસ વિભાગમાં હોવાને કારણે વિશાલનું નાનપણ પોલીસ સ્ટેશનમાં અને પોલીસ લાઇનમાં વીત્યું હતું. સ્વતંત્રતા દિવસના સમારોહ દરમ્યાન તેમની ડ્યૂટી મેદાનમાં બંદોબસ્તમાં લાગતી હતી, જ્યારે તેમનો પુત્ર પરેડમાં સામેલ હતો. એક પુત્રને પોલીસની વરદીમાં જોવાની પળ કોઈ પણ માતા માટે ગર્વ કરનારી હોય છે, પણ જ્યારે પોલીસ વરદીમાં માતા પોતાના પુત્ર અને પોલીસ અધિકારીને સલામ કરે છે તો એ ગૌરવની ક્ષણ હતી. ત્યાં હાજર દરેક જણ આ દ્રશ્યને જોઈ ભાવુક થયું હતું. જૂનાગઢમાં હજારો મહિલા અને પુરુષો સ્વતંત્રતા દિવસે આ દ્રશ્યના સાક્ષી બન્યા હતા. આ ભાવુક પળોને ફોટોગ્રાફરોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. ઇન્ટરનેટ પર એ ફોટો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.