ભાવિનાબહેન પટેલ ફાઇનલમાં પહોંચીઃ સિલ્વર મેડલ તો પાકો

નવી દિલ્હીઃ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની ભાવિનાબહેન પટેલે ઇતિહાસ રચ્યો છે.શનિવારે ટોક્યોમાં પટેલ ક્લાસ-ચાર સેમીફાઇનલમાં ચીનની મિયાઓ ઝાંગ સામે 3-2થી જીત હાંસલ કરી હતી. એ સાથે પટેલ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરવાવાળી પહેલી ભારતીય બની ગઈ છે. 34 વર્ષીય પટેલે વિશ્વની નંબર-3 ચીની પ્રતિદ્વંદ્વીને 7-11,11-7,11-4,9-11 અને 11-8થી હરાવી હતી. એ ગેમ 34 મિનિટ ચાલી હતી. તે રવિચારે વિશ્વની નંબર એક ખેલાડી ચીનની યિંગ ઝોઉ સામે ટકરાશે.

એ પટેલની પહેલી પેરાલિમ્પિક છે. પ્રારંભિક ગેમમાં તે હારી ગઈ હતી, પણ પછી તેણે આગામી બે મેચોમાં જબરદસ્ત વાપસી કર્યા હતા. જોકે ચોથી ગેમમાં ઝાંગે શાનદાર રમત દાખવી હતી અને પટેલને કોઈ તક નહોતી આપી, એ પછી પાંચમી ગેમમાં પટેલે જીત હાંસલ કરી હતી.

પટેલે શુક્રવારે ત્વાર્ટપર ફાઇનલની મેચમાં 2016ના રિયો પેરાલિમ્પિકની ગોલ્ડ મેડલ અને સર્બિયાની વિશ્વની બીજા ક્રમાંકની ખેલાડી બોરિસલાવા પેરિક રેન્કોવિકને હરાવીને પદક પર પોતાની પકડ મજબૂત કરી હતી.

મહેસાણાના સૂઢિયા ગામની દિવ્યાંગ દીકરીએ અનેક મુશ્કેલીઓ વેઠીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાવિના પટેલ ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક પગલું જ દૂર છે. ભાવિના પટેલના પિતા ખેડૂત છે અને તેઓ કટલરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. આજે ભાવિના પર માત્ર તેનું ગામ જ નહીં, પરંતુ સમગ્ર ભારત ગૌરવ કરી રહ્યું છે. ભાવિનાના પિતાને આશા છે કે ભાવિના ગોલ્ડ મેડલ જીતશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]