ચારુસેટ યુનિવર્સિટીમાં આશ્કા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત રાજ્ય કરાટે ડુ ફેડરેશન ગુજરાત દ્વારા બીજી વેસ્ટ ઝોન કરાટે સ્પર્ધા–૨૦૨૨નું આયોજન એસ.પી. યુનિવર્સિટીના યુગ પુરુષ ઇન્ડોર હોલમાં ૨૯ એપ્રિલથી ૧ મે દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગોવા એમ પાંચ રાજ્યનાં મળીને કુલ ૭૦૦ ખેલાડી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમમાં ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંલગ્ન દેવાંગ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટર ઈજનેરી એન્ડ સાયન્સ શાખાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી કુ. આશ્કા પટેલે અભ્યાસ તથા પરીક્ષાના ભારણ અને પોતાની નિત્ય તાલીમ વચ્ચે તાલમેલ સાધીને ટીમમાં ગોલ્ડ મેડલ મેળવીને યુનિવર્સિટી તથા કોલેજનું નામ ઉજ્જવળ કર્યું છે. યુનિવર્સિટીના હોદ્દેદારો તથા યુનિવર્સિટી રમતગમત વિભાગ દ્વારા વિદ્યાર્થિનીની આ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય તથા દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ તેને પાઠવી હતી.  

આ સ્પર્ધાના અંતમાં ૪૨ ગોલ્ડ મેડલ સાથે ગુજરાત રાજ્ય પ્રથમ રહ્યું હતું, જ્યારે ૩૬ ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર રાજ્ય બીજા ક્રમાંક ઉપર રહ્યું હતું. આ સ્પર્ધામાં કરાટે ફેડરેશનના અધિકારી હનીશ શર્મા, વિજય તિવારી, કલ્પેશભાઈ મકવાણાએ ઉપસ્થિત રહીને વિજેતા ખેલાડીઓને મેડલ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]