ત્રાસવાદી બનીને પાછા ફરેલા 17-કશ્મીરી યુવકો ઠાર

શ્રીનગરઃ પાકિસ્તાનમાંથી જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ પાછા ફરેલા 17 કશ્મીરી યુવકોને હાલમાં જ ત્રાસવાદ-વિરોધી કાર્યવાહીઓમાં ઠાર મારવામાં આવ્યા હતા. એમાંના કેટલાક યુવકોએ શસ્ત્રો ચલાવવાની તાલીમ મેળવી હતી.

આ યુવકો ઉચ્ચ અભ્યાસ કરવા, સગાંઓને મળવા કે લગ્નના હેતુ જેવા બહાના બતાવીને 2015ની સાલથી પાકિસ્તાન ગયા હતા અને ત્યાંથી ત્રાસવાદની તાલીમ લઈને પાછા ફર્યા હતા. આ યુવકોને ભારત-વિરોધી તત્ત્વોએ ગેરમાર્ગે દોર્યા હતા. એમાંના કેટલાકે પાકિસ્તાનની જાસુસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના ત્રાસવાદીઓ પાસેથી તાલીમ મેળવી હતી. આ કશ્મીરી યુવકો ત્રાસવાદની તાલીમ લઈને જમ્મુ-કશ્મીર પાછા ફર્યા હતા અને રાજ્યમાં સ્લીપર સેલ્સનો હિસ્સો બન્યા હતા. સ્લીપર સેલ એટલે આતંકવાદીઓનું એ જૂથ જે સામાન્ય નાગરિકોની વચ્ચે રહેતા હોય છે અને આતંકવાદી જૂથના વડાના આદેશ પ્રમાણે કામ કરતા હોય છે. સ્લીપર સેલમાં સામેલ થયેલા આતંકવાદીઓને પકડવાનું પોલીસ કે સુરક્ષા દળો માટે કઠિન હોય છે, કારણ કે એ લોકો સામાન્ય નાગરિકો વચ્ચે એમની જેમ રહેતા હોય છે એટલે એમની ગુપ્ત કામગીરીઓની તત્કાળ જાણ થઈ શકતી નથી. આવા લોકો લાંબા સમય સુધી સામાન્ય જિંદગી જીવતા રહે છે.

જમ્મુ-કશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હુર્રિયત જૂથના એક નેતા સામે આરોપનામું નોંધાવ્યું છે. એ નેતા કશ્મીરી યુવકો પાસેથી પૈસા લઈને એમને પાકિસ્તાનમાંની જુદી જુદી મેડિકલ કોલેજોમાં એડમિશન અપાવે છે. એ પૈસાનો ઉપયોગ આ નેતા કશ્મીર ખીણપ્રદેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે કરતો હતો.