અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત મેળવી છે. રાજ્યની 182 સીટોમાંથી ભાજપે 156 સીટો જીતી છે. રાજ્યના મુખ્ય પ્રધાનપદે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત આરૂઢ થયા છે. તેમની સાથે 16 વિધાનસભ્યોએ પ્રધાનપદના શપથ લીધા છે, પણ રસપ્રદ વાત એ છે કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાંને માંડ સપ્તાહ પણ નથી વીત્યું, ત્યાં કમસે કમ છ નવા વિધાનસભ્યો ભાજપમાં સામેલ થાય એવી વાતો વહેતી થઈ છે, જેમાં ત્રણ અપક્ષ વિધાનસભ્યો છે અને ત્રણ આપના વિધાનસભ્યો છે, જેમનાં નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા), ધવલસિંહ ઝાલા (બાયડ) અને માવજીભાઈ દેસાઈ- ત્રણે વિધાનસભ્યો પહેલાં પણ કહી ચૂક્યા છે કે તેઓ ભાજપને ટેકો આપશે. જોકે આ ત્રણે વિધાનસભ્યોએ ભાજપ પાસે ટિકિટ માગી હતી, પણ ભાજપે ટિકિટ ના આપતાં તેઓ બગાવત કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે.
બીજી બાજુ, આમ દમી પાર્ટીના ભૂપત ભાયાણી (વિસાવદર) ભાજપમાં પ્રવેશ કરે એવી વકી છે. તેમણે કહ્યું હતું કે મતદારોએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે. ભાયાણીએ પણ મોદીના ભરપૂર વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે તેઓ મતદાતો સાથે વિચારવિમર્શ કર્યા પછી ભાજપપ્રવેશનો નિર્ણય કરશે.
આ ઉપરાંત આપના બે અન્ય વિધાનસભ્યો- ઉમેશ મકવાણા (બોટાદ) અને સુધીર વાઘણી (ગારિયાધાર) પણ વંડી ઠેકીને ભાજપમાં સામેલ થાય એવી શક્યતા છે.આપના ધારાસભ્ય ભાયાણી જણાવ્યું હતું કે લોકોએ ભાજપના પક્ષમાં નિર્ણાયક જનાદેશ આપ્યો છે. આ સાથે મારે મારા મતદાતાઓનાં કામ કરવાનાં છે અને સરકાર સાથે જોડાવું છે.
જોકે ભાયાણીએ પછીથી ફેરવી તોળતાં જણાવ્યું હતું કે હું મતદાતાઓ સાથે વિશ્વાસઘાત નહીં કરું અને હું કોઈ પાર્ટીમાં સામેલ નહીં થાઉં. હું આપના વફાદાર સૈનિક તરીકે કામ કરીશ, એમ તેમણે કહ્યું હતું.