ગંદા-પાણીના શુદ્ધીકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજૂરી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિદ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં મોડર્ન ટેક્નોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભૂગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટૂંક સમયમાં જ રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક પૂર્ણ થશે.

મુખ્ય પ્રધાને નગરપાલિકાઓની લાંબા ગાળાની માગણીનો પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે. રાજ્યનાં શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને એ માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે. એ અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવાં કામોમાં પુનઃ વપરાશ થાય એ દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજનાનાં કુલ 183 કામો 156 નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યાં છે અને 144 નગરપાલિકાઓમાં આવાં કામો પૂર્ણ થઈ ગયાં છે. તેમણે હવે મંજૂર કરેલી આ નવ નગરપાલિકાઓના S.T.Pના કામો પૂર્ણ થવાથી આ નગરોના લાખોની સંખ્યામાં શહેરીજનોને લાભ મળશે અને શહેરીજીવન સુખાકારીમાં વૃદ્ધિ થશે.