અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે રાજ્યમાં ભાજપ-વિરોધી વાતાવરણ જામ્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી વિશે ગંભીર દેખાતી નથી. આનું કારણ એ છે કે એણે ચૂંટણી માટે રાજ્યનો હવાલો એક જૂનિયર નેતા – રઘુ શર્માને આપ્યો છે.
82 વર્ષીય પીઢ નેતા વાઘેલાએ કહ્યું કે, ‘કોંગ્રેસની નેતાગીરીએ દિલચસ્પી બતાવવાની જરૂર છે. શું પાર્ટીમાં એવો કોઈ એવો મોટો નેતા નથી જે ગુજરાતમાં આવીને બેસી શકે? કોંગ્રેસ માટે લાભ છે, પણ એ લેવા માટે કોઈ આવતું નથી. કોંગ્રેસે કોઈ વરિષ્ઠ નેતાને ગુજરાતના ઈન-ચાર્જ બનાવવા જોઈતા હતા. રઘુ શર્મા જુનિયર છે. એવું લાગે છે કે રાજ્યની વિધાનસભા ચૂંટણી વિશે કોંગ્રેસ પાર્ટી ગંભીર નથી. વડા પ્રધાન મોદી જો 10 વાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે તો રાહુલ ગાંધીએ કમસે કમ બે વાર તો રાજ્યમાં આવવું જોઈએને.’ ‘શું તમે કોંગ્રેસમાં પાછા જશો?’ એવા સવાલના જવાબમાં વાઘેલાએ કહ્યું કે, ‘જો પાર્ટી, સોનિયાજી અને રાહુલજીને રસ હોય તો આ મુદ્દે વાતચીત થશે. મેં ઈચ્છા બતાવી દીધી છે.’
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.