પીડિત-પરિવારોને વળતર ચૂકવવાનો કોલકાતા મેટ્રોને સરકારનો આદેશ

કોલકાતાઃ શહેરના મધ્ય ભાગમાં આવેલા બોવબાઝાર વિસ્તારમાં હાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર માટે મેટ્રો રેલવેનું બાંધકામ ચાલી રહ્યું છે. એને કારણે મોહલ્લાના કેટલાક મકાનો-ઘરની દીવાલોમાં તિરાડ પડી ગઈ છે. રહેવાસીઓ ચિંતિત થઈ ગયાં છે. એવામાં પશ્ચિમ બંગાળ સરકાર એમની મદદે આવી છે. સરકારે કોલકાતા મેટ્રોને આદેશ કર્યો છે કે તે પીડિત પરિવારોને આર્થિક વળતર ચૂકવે. સરકારે કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશ લિમિટેડ કંપનીને આદેશ આપ્યો છે કે તે પ્રત્યેક પીડિત પરિવારને એક મહિનાની અંદર પાંચ-પાંચ લાખ રૂપિયા ચૂકવે. આ જાણકારી શહેરના મેયર ફિરહાદ હકીમે આપી છે.

મેટ્રો રેલવે બાંધકામને કારણે જે દુકાનદારોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે એમને પણ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને ઘડેલી એક ફોર્મ્યુલા અંતર્ગત રૂ. દોઢ લાખ (100 સ્ક્વેર ફીટ સુધીની જગ્યા માટે) અને રૂ. પાંચ લાખ (100 સ્ક્વેર ફીટથી વધારે જગ્યા માટે) ચૂકવવામાં આવશે. આ નિર્ણય રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનાં અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

મેટ્રો રેલવેના કામકાજને કારણે બોવબાઝારની મદન દત્તા લેનમાં ઓછામાં ઓછા 12 મકાનોની દીવાલોમાં તિરાડો પડી છે. મેટ્રોના એક બોગદા (ટનલ)નાં કામકાજ દરમિયાન પાણીનું સતત ગળતર થતાં જમીનનું ધોવાણ થયું છે, મકાનો-ઘરોની દીવાલોમાં તિરાડ પડી ગઈ છે.. ત્રણ વર્ષમાં આ પ્રકારનો આ ત્રીજો બનાવ બન્યો છે. આ મકાનોનું કાં તો સમારકામ કરવું પડશે અથવા એને પાડીને નવેસરથી બાંધવા આપશે. એ માટે રહેવાસી પરિવારોને કામચલાઉ ધોરણે અન્યત્ર ખસેડવા પડશે. વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃદ્ધજનોની ખાસ કાળજી લેવામાં આવશે.