ચૂંટણીમાં હાર થતાં અમિત ચાવડા, પરેશ ધાનાણીનાં રાજીનામાં

 અમદાવાદઃ રાજ્યની જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજ્યની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે એક અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસમાંથી બે નેતાઓએ હાર સ્વીકારીને રાજીનામાં આપ્યાં છે. જોકે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ  અમિત ચાવડા સત્તાવાર રાજીનામાંની જાહેરાત સાંજે કરશે.  તેમણે ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને બંને નેતાઓએ રાજીનામાં મોકલ્યાં છે. તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામાં આપવાની જાહેરાત કરી છે,એમ સૂત્રોએ કહ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના 32મા પ્રદેશપ્રમુખ તરીકે અમિત ચાવડા બિરાજમાન હતા. જે ઈશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામાં ધરી દીધાં છે. ત્યારે કેટલાક નેતાઓનાં નામ અત્યારે પ્રદેશપ્રમુખની રેસમાં છે. જોકે હવે નવા પ્રદેશપ્રમુખ ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ શી રીતે સંભાળશે એ એક સવાલ છે.

કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. આણંદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના ફાળે 24, કોગ્રેસના ફાળે, પાંચ અન્યના ફાળે એક બેઠક આવી હતી.

આ પહેલાં પણ રાજ્યની પેટા ચૂંટણીમાં આઠ બેઠકો પર કોંગ્રેસની હાર થતાં અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.