એર ઈન્ડિયાના બોર્ડિંગ પાસ પર PM મોદી અને CM રુપાણીના ફોટા, બબાલ બાદ…

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ અનેક ટીકાઓ બાદ વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીના ફોટોવાળા બોર્ડિંગ પાસને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન્સે પહેલાં કહ્યું હતું કે ફોટાવાળા બોર્ડિંગ પાસ ત્રીજા પક્ષના વિજ્ઞાપનના રુપમાં જાહેર કરવામાં આવ્યાં છે અને આ જો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જણાયાં તો તે પાછા લઈ લેવામાં આવશે. એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું કે એર ઈન્ડિયાએ તે બોર્ડિંગ પાસને પાછા લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યપ્રધાનની તસવીરો હતી.

પંજાબના પૂર્વ ડીજીપી શશીકાંતે નવી દિલ્હી એરપોર્ટ પર પોતાના બોર્ડિંગ પાસના ફોટો ટ્વિટર પર શેર કરતા સવાલ કર્યો હતો કે, આ બંને નેતાઓના ફોટા આ બોર્ડિંગ પાસ પર કેવી રીતે હોઈ શકે. તેમણે ટ્વિટ કર્યું કે આજે 25 માર્ચ 2019ના રોજ નવી દિલ્હી એરપોર્ટ પર મારા એર ઈન્ડિયાના બોર્ડિંગ પાસ પર વડાપ્રધાન મોદી, વાઈબ્રન્ટ ગુજરાત અને વિજય રુપાણીના ફોટોઝ છે.

એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું હતું કે એવું પ્રતીત થાય છે કે આ બોર્ડિંગ પાસ તે જ છે, કે જે જાન્યુઆરીમાં થયેલા વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન છપાયાં હતાં અને ફોટા ત્રીજા પક્ષની એડવર્ટાઈઝમેન્ટનો ભાગ

ફાઈલ તસવીર

છે. તેમણે કહ્યું કે આને એર ઈન્ડિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું હતું કે અમે આ મામલે તપાસ કરીશું કે શું ત્રીજા પક્ષના વિજ્ઞાપન આદર્શ આચાર સંહિતાના વર્તુળમાં આવે છે, કે નહીં. જો આવતા હશે તો તેમને દૂર કરવામાં આવશે. આ બોર્ડિંગ પાસ ન માત્ર ગુજરાત, પરંતુ આખા ભારત માટે છે.

ઉલ્લેખનીય છે કે  20 માર્ચના રોજ રેલવેએ વડાપ્રધાનના ફોટાવાળી ટિકીટો પાછી ખેંચી લીધી હતી. તૃણમૂલ કોંગ્રેસે આ મામલે નિર્વાચન આયોગને ફરિયાદ કરી હતી. રેલવેએ પણ કહ્યું હતું કે આ ત્રીજા પક્ષના વિજ્ઞાપન છે, અને એક વર્ષ પહેલા છપાયેલી ટિકીટોના પેકેટમાંથી આ વધેલી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]