ઈલેક્ટોરલ બોન્ડથી ઊલટું જોખમ વધ્યું, રાજકીય પક્ષોને થઈ રહ્યો છે આ ફાયદો…

ચૂંટણી ફંડિંગની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સરકારે ગત વર્ષે ઈલેક્ટોરલ બોન્ડની શરુઆત કરી હતી. સરકારે બોન્ડની શરુઆતની સાથે દાવો કર્યો હતો કે, આ બોન્ડને કારણે રાજકીય ફંડિંગમાં પારદર્શિતા વધશે અને બ્લેકમની નહીં આવે. પરંતુ તેનું વિપરિત પરિણામ આવ્યું, બોન્ડને કારણે પારદર્શિતા આવવાની બદલે જોખમ વધુ વધી ગયું છે.

એટલું જ નહીં વિદેશી સ્ત્રોત પાસેથી પણ ફંડ મેળવાના અવકાશ ઉભા થયાં છે.ગત 12 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટેએ નારજગી વ્યક્ત કરી હતી કે, કેન્દ્ર સરકારે રાજકારણીઓની અધધ સંપત્તિને અટકાવવા માટે કોઈ કાયમી વ્યવસ્થા નથી ગોઠવી.

જોકે સુપ્રીમ કોર્ટ ગત વર્ષે જ આ અંગે આદેશ આપી ચૂક્યું છે. ફેબ્રુઆરી 2018માં સુપ્રીમ કોર્ટ એ જાણીને અચંબિત થઈ ગયું કે, કેટલાક સાંસદો,ધારાસભ્યો, અને તેમના સંબંધિઓની સંપત્તિ પાંચ વર્ષની અંદરમાં 500 ટકા વધી ગઈ. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ગંભીરતાથી પગલા લેવા જરૂરી ગણાવ્યાં.

તેમ છતાં રાજકીય પક્ષોને મળતા ફંડની વ્યવસ્થા વર્ષોથી આપારદર્શી બનેલી છે, જેનો કોઈ હિસાબ પણ નથી આપવો પડતો. રાજકારણીઓ માટે આ નાણાં મેળવવાનો સરળ સ્ત્રોત બની ગયો છે. એવી જ રીતે ફંડિંગ પર પ્રતિબંધ લાદવા સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં ઘણી અરજીઓ પણ પેન્ડિંગ છે.

ઈલેક્ટોરલ બોન્ડની કારણે રાજકીય પક્ષોને ગુપ્ત સ્ત્રોત પાસેથી મળતા કોર્પોરેટ ફંડને પ્રોત્સાહન મળ્યું છે. અને વિદેશી સ્ત્રોત પાસેથી મળતું ફંડિંગ પણ કાયદેસર થઈ ગયું છે.

ઈલેક્ટોરલ બોન્ડની શરુઆત કરતી વખતે તેને યોગ્ય ગણાવતા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જાન્યુઆરી 2018માં લખ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડની યોજના રાજકીય ફંડિંગને વ્યવસ્થામાં કાયદેસરના નાણાં અને પારદર્શિતા વધારવા માટે લાગુ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં તેના વિપરીત પરિણામ મળ્યા છે. ઈલેક્ટોરલ બોન્ડ ફાયનાન્સ એક્ટ 2017 હેઠળ લાવવામાં આવ્યાં હતાં. હક્કીકતમાં બોન્ડને કારણે પારદર્શિતા પર જોખમ વધ્યુ છે. ચૂંટણી પંચે પણ આ ફેરફાર પર ચિંતા વ્યક્ત કરતા કાયદા મંત્રાલયને નિયમમાં ફેરફાર કરવા માટે લેટર પણ લખ્યો છે.

જનપ્રતિનિધિત્વ કાયદો (RP ACT)ની કલમ 29સીમાં સુધારો કરતા કહેવામાં આવ્યું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલું ફંડ ચૂંટણી પંચની તપાસથી બહાર રાખવામાં આવશે. ચૂંટણી પંચે આને પ્રતિગામી પગલુ ગણાવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, આના પરથી તો એ જાણવું પણ મુશ્કેલ થઈ જશે કે, કોઈ રાજકીય દળ સરકારી કંપનીઓ પાસેથી વિદેશી સ્ત્રોત મારફતે ફંડ લઈ મેળવી રહી છે કે, નહીં.

એવી જ રીતે આરપી એક્ટની ધારા 29સી હેઠળ 20,000 રૂપિયા સુધીનું ફંડ કોઈ હિસાબ-કિતાબ વગર મેળવી શકાય છે, જેથી રાજકીય ફંડમાં જવાબદારી કે પારદર્શિતા પર કોઈ અસર પડતી જોવા નથી મળી રહી.

ત્રીજા કંપની એક્ટ 2013માં કહેવામાં આવ્યું હતું કે, કોઈ કંપની એક નાણાંકીય વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષના તેમના સરેરાશ નેટ પ્રોફિટના 7.5 ટકાથી વધારે રાજકીય ફંડ ન ફાળવી શકે. પરંતુ તેમાં સુધારો કરીને હવે ગમે તેટલી રકમ ફાળવવાની છૂટ આપી દેવાઈ છે. એટલું જ નહીં કંપનીઓને એ વાતની પણ છૂટ મળી છે કે, તે તેમની ખાતાવહીમાં આ હિસાબને છુપાવી પણ શકે છે.

ચૂંટણી પંચે આ તમામ સુધારાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. કારણે કે આ કારણે માત્ર રાજકીય પાર્ટીઓને ફંડિંગને લઈને શેલ કંપનીઓ ઉભી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણી પંચે ઘણી વખત પ્રેસ કોન્ફરન્સ કરીને અને લેટર લખીને જાહેરમાં આ એક્ટમાં કરાયેલા સુધારાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ સરકાર આ મામલે કોઈ ફેરફાર કરવા તૈયાર નથી.

સરકારે જાન્યુઆરી 2018માં ઈલેક્ટોરલ બોન્ડ નોટિફિકેશન જાહેર કરતા સમયે જ સ્પષ્ટતા કરી હતી કે, બોન્ડ ખરીદનારને સંપૂર્ણ રીતે કેવાઈસી નિયમો પૂર્ણ કરવાના રહેશે, અને બેંક ખાતા દ્વારા ચૂકવણી કરવાની રહેશે. આ બોન્ડમાં સામાન્ય રીતે નરી આંખે ન જોઈ શકાય તે પ્રકારનો એક રેન્ડમ સિરિયલ નંબર આપવામાં આવ્યો છે. બોન્ડ જારી કર્તા એસબીઆઈ  આ નંબર અંગે કોઈને પણ માહિતી નથી આપતી.

પરંતુ આ તમામ જોગવાઈઓથી સમસ્યા દૂર નથી થતી. ફંડ આપનારની ગોપનીયતા અને રાજકીય ફંડિંગમાં અપારદર્શિતા બની રહે છે. અને આ તમામ વસ્તુઓ ચૂંટણી પંચની તપાસના દાયરા બહાર છે. કેવાઈસી હોવા છતાં ફંડ આપનાર વ્યક્તિ અંગે માત્ર બેંક કે સરકારને જાણકારી હોય છે, ચૂંટણી પંચ કે કોઈ સમાન્ય નાગરિકને નહીં.

ચૂંટણી સુધારા પર કામ કરતા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નું કહેવું છે કે, ઈલેક્ટોરલ બોન્ડથી વાસ્તવમાં સત્તા પક્ષને ફાયદો થઈ રહ્યો છે. ADR અનુસાર વર્ષ 2017-18માં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 222 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું હતું. જેમાં ભાજપને 210 કરોડ (94.5 ટકા) , કોંગ્રેસને 5 કરોડ રૂપિયા અને અન્ય દળોને 7 કરોડ રૂપિયા મળ્યા હતાં.