જો કોઈ પાકિસ્તાનને એક ગાળ આપશે તો હું તેમને દસ ગાળો આપીશ: NC નેતા

નવી દિલ્હી– નેશનલ કોન્ફરેન્સ (એનસી) નેતા મોહમ્મદ અકબર લોને ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. અકબરે એક સભાના સંબોધિત કરતા કહ્યું કે, પાકિસ્તાન આબાદ રહે, સફળ રહે. જો કોઈ પાકિસ્તાનને એક ગાળ આપશે તો હું તેમને અહીંથી દસ ગાળો આપીશ.

તમને જણાવી દઈએ કે, અનંતનાગ બેઠકના ઉમેદવાર અકબર લોન કુપવાડામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. તેના સંબોધનમાં અકબરે કહ્યું કે, મુસ્લિમ દેશ પાકિસ્તાન આબાદ રહે, સફળ રહે. આપણી અને તેમની મિત્રતા વધે, પાકિસ્તાન અને હિંદુસ્તાનની મિત્રતા વધે તે મિત્રતાનો હું આશિક છું. જો તેને કોઈ ગાળ આપશે તો હું અહીંથી જ તેને દસ ગાળો આપીશ.

ભાજપ અને પીડીપી પર હુમલો કરતા અકબરે કહ્યું કે, પીડીપી અને ભાજપે લોકોને ખોટા વાયદાઓ કર્યાં અને જનતાને ગેરમાર્ગે દોરી. પરંતુ હવે સમય આવી ગયો છે કે, તમે તમારા મતનો યોગ્ય ઉપયોગ કરીને યોગ્ય નેતાની પસંદગી કરી શકો છો.

અકબરે તેમના સંબોધનમાં એ વાત પણ સ્વીકારી કે, એસેમ્બલીમાં પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતાં, ત્યારે તેમણે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતાં.

મહત્વનું છે કે, આ પહેલા પણ અકબર લોને વિવાદિત નિવેદનો આપ્યાં છે, હાલમાં જ અકબરે કહ્યું હતું કે, ચીને યુએનમાં મસૂદ અઝહરનો બચાવ કર્યો તે નિર્ણયની પ્રશંસા કરવી જોઈએ. ચીને આવું કરીને ભારતને તેની તાકાતનો પરિચય કરાવ્યો છે.