થાઈલેન્ડના બાળકો માટે પ્રાર્થના કરનાર રાજા ભગત વિદ્યાલયના બાળકોને મળ્યું થાઈલેન્ડનું પ્રતિનિધિમંડળ

0
1746

અમદાવાદ- થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકો અને કોચને સહીસલામત બહાર લાવવા કરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા માટે દુનિયાભરના લોકોએ પ્રાર્થના અને દુઆ કરી હતી. આ પ્રર્થના અને દુઆ સફળ રહ્યા અને ગુફામાં ફસાયેલા તમામને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ગોરના કુવાની રાજા ભગત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકો અને કોચ સુરક્ષિત બહાર આવે તે માટે હાથમાં કેન્ડલ અને બેનર રાખી ભાવનાત્મક પ્રાર્થના કરી હતી.

17 દિવસે રેસ્ક્યૂ ઓપરેશન સફળ થયા બાદ થાઈલેન્ડ સરકારે દુનિયાભરના લોકોનો વિશેષ આભાર માન્યો હતો. થાઈલેન્ડનું એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ આવ્યું હતું. જ્યાં તેમણે મણિનગરની રાજાભગત શાળાના બાળકોની મુલાકાત લઈ તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના બાળકોને ફુટબોલ, થાઈલેન્ડના સિક્કા અને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.