અમદાવાદ પોલીસ કમિશનરે 28 PIની આંતરિક બદલી, 4 PIની નવી પોસ્ટિંગનો આદેશ આપ્યો

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. 28 પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે, તેમજ 4 પીઆઈને નવી પોસ્ટિંગ અપાઈ છે. આ અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી PIઓની બદલીઓ અંગે અટકળો ચાલી રહી હતી, જે હવે હકીકત બની છે.

શહેરના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર અપરાધો વધતા, રામોલ PI ચૌધરીને કંટ્રોલ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. શહેરના બાપુનગર PIને SOG (Special Operations Group)માં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા થયેલી ઘટનાઓ પછી, પોલીસ કમિશનરે આ પગલાં લીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શહેરમાં સાયબર ગુનાઓ પણ ઉત્તરોતર વધારો નોંધાય રહ્યો છે. જેના પગલે 6 PIને સાયબર ક્રાઈમ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી બાજુ, કેટલાક PI, જે હાલમાં કંટ્રોલ રૂમ અથવા લીવ રિઝર્વમાં હતા, તેઓ હજુ સુધી પોલીસ સ્ટેશનની ફાળવણી માટે રાહ જોઈ રહ્યા છે. આ મોટી ફેરબદલી પોલીસ વિભાગમાં નવા સમીકરણો સર્જી શકે છે, અને તે આગામી સમયમાં શહેરની કાયદો અને વ્યવસ્થા પર કેવી અસર કરશે તે જોવાનું રહેશે.