સફાઈ કર્મચારીઓના મોતનો મામલોઃ હાઈકોર્ટે સરકાર પાસેથી માંગ્યો જવાબ

અમદાવાદઃ સફાઈ કર્મચારીઓની 20 ઓક્ટોબરના રોજ ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસેથી મૃત્યુ થયા અંગેનું વિવરણ આપવા અને વળતર આપવા મામલે જવાબ માંગ્યો છે. વિશાલા સર્કલ પાસે ગટરમાં ઉતર્યા બાદ બે સફાઈ કર્મચારીઓનું મોત થયું હતું. હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન તો નથી કરી રહી ને? હાઈકોર્ટે આના માટે સરકારને ફટકાર પણ લગાવી છે.

આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, સરકાર તેના જવાબમાં જણાવે કે, આ બંને સફાઈ કર્મીઓના મોત ક્યા સંજોગોમાં થયા છે, તેમને ગટર સાફ કરવા માટે ઉતરવામાં આવ્યા હતા કે કેમ, આ કેસમાં જવાબદાર લોકો સામે શું પગલા લેવામાં આવ્યા છે.

ઉપરાંત, બંને સફાઈ કર્મીઓના મોત ગટરલાઈન સાફ કરતા થયા હોય તો, યોગ્ય તપાસ બાદ, સરકાર કાયદા મુજબ મળવાપાત્ર રૂ દસ લાખની રકમ મૃતકના બેન્ક ખાતામાં ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે મૂકવા માગે છે કેમ તે તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ જવાબ આપવા જણાવ્યું છે.

વર્ષ 2016માં માનવ ગરિમા નામની સંસ્થાએ માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદ કરવાના કાયદાનો યોગ્ય અમલ કરાવવા અને ગટર લાઈન સાફ કરવા માટે સફાઈ કર્મીઓને અંદર ઉતારવામાં આવે છે, તે બંધ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરેલી. જે અરજી પર સોમવારની સુનાવણી દરમિયાન અરજદારે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટાંકીમાં અંદર ઉતરવાથી બે સફાઈ કર્મીઓના મોત થયા હોવા અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતુ.
દરમિયાન, આ જાહેરહિતની અરજીના સંદર્ભમાં સરકારે પ્રાંતિજમાં સફાઈ કર્મીના થયેલા મોત અંગે જવાબ રજૂ કર્યો છે.

સરકારની રજૂઆત હતી કે, પ્રાંતિજના કેસમાં કોન્ટ્રાક્ટર અને સેનેટરી ઈન્સ્પેક્ટર સામે પ્રોહિબિશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ- 2013 ( માથે મેલુ ઉપાડવાની પ્રથા નાબૂદી કાયદા-2013), આઈપીસીની જોગવાઈ અને ધ શિડયુલ કાસ્ટ્સ એન્ડ ધ શિડયુલ ટ્રાઈબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી) એક્ટ-૧૯૮૯ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]