અમેરિકાના મતે જમ્મુ અને લડાખમાં સ્થિતિ સુધરી પણ કશ્મીરમાં હજુ મુશ્કેલી

વોશિગ્ટન: ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે, તે જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવા પાછળ ભારતના ઉદ્દેશ્યનું સમર્થન કરે છે, પણ તે ઘાટીમાં વર્તમાન સ્થિતિને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 દૂર કરાયા બાદથી રાજ્યની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

દક્ષિણ અને મધ્ય એશિયા મામલાની યુ.એસ. કાર્યકારી સહાયક વિદેશ સચિવ એલિસ જી વેલ્સ એ કહ્યું કે, ભારત સરકારે તર્ક આપ્યું છે કે, આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને ખત્મ કરવાનો નિર્ણય આર્થિક વિકાસ કરવા, ભ્રષ્ટાચાર ઓછો કરવા અને ખાસકરીને મહિલાઓ અને અલ્પસંખ્યકોના લાભ માટે લીધો છે.

વેલ્સે કહ્યું કે, અમે સરકારના ઉદ્દેશનું સમર્થન કરીએ છીએ, પણ અમેરિકન વિદેશ મંત્રાલય કશ્મીર ઘાટીમાં સ્થિતિને લઈને ચિંતિત છે જ્યાં 5 ઓગસ્ટ પછી અંદાજે 80 લાખ લોકોનું રોજીંદુ જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વધુમાં કહ્યું કે, જમ્મુ અને લડાખમાં સ્થિતિ સુધરી છે પણ કશ્મીર ઘાટીમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઈ.

વેલ્સે આગળ કહ્યું કે, અમેરિકી વિદેશ મંત્રાલય એ જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત નેતાઓ અને સ્થાનિક લોકોની ધરપકડને લઈને ભારત સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમે ભારત સરકાર પાસેથી માનવાધિકારોનું સમ્માન કરવા અને ઈન્ટરનેટ મોબાઈલ સેવાઓ ફરી કાર્યરત કરવાની અપીલ કરી છે. કશ્મીરના ઘટનાક્રમનું વિદેશી અને સ્થાનીક પત્રકારોએ મોટાપાયે કવરેજ કર્યુ છે પરંતુ સુરક્ષા સંબંધિત પ્રતિબંધોને કારણે આ લોકોને મુશ્કેલીઓનો સમાનો કરવો પડી રહ્યો છે.