અમદાવાદઃ આકરી ગરમીમાં લોકોની તરસ છીપાવવા મહાપાલિકાનો ઉમદા પ્રયાસ

અમદાવાદ: ઉનાળાની ઋતુમાં દર વર્ષે ગરમીનો પારો વધતો જાય છે. આકરી ગરમીથી બચવા દરેક જીવ સતત પાણી અને છાંયો શોધે છે. માણસના આધારે જીવતા પશુ-પંખીઓ માટે જીવદયાપ્રેમીઓ પીવાનું પાણી સતત પહોંચાડતા રહે છે.

જ્યારે આકરી ગરમીમાં તરસ્યા માણસને પાણી પીવડાવવા લોકો માટલાં,  કોઠીઓ, પરબ, ઠંડા પાણીના કુલર પણ મુકે છે. કેટલાક સ્થળોએ ગરમીથી ત્રસ્ત લોકો માટે સેવાભાવી લોકો મફત સરબત અને છાશ પણ આપે છે.

અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શહેરના માર્ગો પર નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે એ માટે ખાસ ગાડીઓ મુકવામાં આવી છે.

શહેરના જુદા જુદા ઝોનમાં સાત જેટલી ગાડીઓ શહેરીજનોને પીવાનું પાણી પહોંચાડી રહી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં સવારના સમયે પ્લાસ્ટિકના મોટા જગમાં પાણી ભરીને જુદા જુદા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશનની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ઉનાળાની આકરી ગરમીમાં લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)