અમદાવાદમાં પુસ્તકો વચ્ચે સ્વાદ પીરસતી રેસ્ટોરાં…

અમદાવાદ: શહેરની AMA, IIM જેવી જ્ઞાન પીરસતી સંસ્થાઓ વચ્ચે ભોજનનો સ્વાદ આપતી ‘ ઊમામી બાય કરીસ’ નામની રેસ્ટોરન્ટ આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ છે.., ભોજનની સાથે પુસ્તકોથી ભરપૂર ઇન્ટીરિયર, લોકોનું ધ્યાન ખેંચે છે.

શહેરના ભરચક આંબાવાડી-પોલીટેકનીક-વસ્ત્રાપુર વિસ્તારની નજીક આવેલી આ રેસ્ટોરન્ટની દિવાલો, છત પર લટકતા બલ્બ પર પુસ્તકો શોભી રહ્યા છે.

‘ઊમામી બાય કરીસ’ રેસ્ટોરન્ટ વિષે સંચાલકોમાંના એક એવા શિવરાજસિંહ જાડેજા ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘ઊમામી એ જાપાનીઝ શબ્દ છે. જેનો અર્થ છઠ્ઠો ‘સ્વાદ’ થાય છે અને ‘કરીસ’ એ અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટોમાં ખૂબ જાણીતું નામ છે. અમે છ મિત્રોએ સાથે મળીને આ બિઝનેસ શરૂ કર્યો. સારા ભોજન સાથે જ્ઞાનનો પણ ફેલાવો થાય એ માટે રેસ્ટોરન્ટની સાથે સારા પુસ્તકો પણ રાખવાનું અમે નક્કી કર્યું હતું.’

‘લાઇબ્રેરીની થીમ પર રેસ્ટોરન્ટ બનાવવી હતી. ખૂબ ખર્ચ કરીને પુસ્તક-વાંચન માટે ખાસ ટેબલ, રેક રાખ્યા. એક ટાઇપરાઇટર પણ મુક્યું હતું. પરંતુ વાંચનનો એ પ્રયોગ ધાર્યો એટલો સફળ ન થયો. પછી પુસ્તકોને આખી રેસ્ટોરન્ટના ઇન્ટીરિયરનો ભાગ બનાવી દીધા.’

‘હાલ દીવાલ પર, ઝગમગતા બલ્બ પર, દરવાજાને પુસ્તકોથી સજાવવામાં આવ્યા છે. જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,’ એમ શિવરાજસિંહ વધુમાં કહે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)