અદાણી ગલ્ફ જાયન્સે ILT20 માટે જેમ્સ વિન્સેને કેપ્ટન જાહેર કર્યો

અમદાવાદઃ અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીવાળી ગલ્ફ જાયન્ટ્સે ILT20 ની પ્રારંભિક સિઝનની તૈયારીઓને મજબૂત કરતાં ઈંગ્લેન્ડના જેમ્સ વિન્સેને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે. જેમ્સ વિન્સેએ T20માં 300થી વધુ મેચ રમી છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 130થી વધુનો રહ્યો છે. વિન્સે 2019માં સૌપ્રથમ વાર વનડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો. તે બિગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગ, ન્યુ ઝીલેન્ડની સુપર સ્મૈશ અને દક્ષિણ આફ્રિકાની મઝાન્સી સુપર લીગમાં રમી ચૂક્યો છે. તેણે T20માં 9000થી વધુ રન કર્યા છે. જેમાં ચાર સદી અને 51 અડધી સદી સામેલ છે.

અદાણી ગલ્ફ જાયન્ટ્સ જોડાવા સાથે વિન્સેએ કહ્યું હતું કે ILT20માં અદાણી ગલ્ફ જાયન્ટ્સના કેપ્ટન બનવું એ ગર્વની વાત હોવા સાથે એક મહત્ત્વપૂર્ણ જવાબદારી પણ છે. મને આનંદ છે કે ટીમ મેનેજમેન્ટ અને કોચ એન્ડી ફ્લાવરે મારી પર વિશ્વાસ દાખવ્યો છે.હેડ કોચ એન્ડી ફ્લાવરે કહ્યું કે હું ઘણા સમયથી વિન્સેને જાણું છું અને ગલ્ફ જાયન્ટ્સ માટે ILT20માં તેની સાથે કામ કરવા ઉત્સુક છું. તે એક શાનદાર ટોપ ઓર્ડર ખેલાડી હોવાની સાથે શ્રેષ્ઠ ફિલ્ડર પણ છે. આ સાથે મે અત્યાર સુધી જોયેલા ટેકટિકલ કેપ્ટનમાંથી તે શ્રેષ્ઠ છે.

ILT20ની પ્રારંભિક સીઝનમાં 34 મેચ અબુધાબી, શારજાહ અને દુબઇમાં રમાશે. 13 જાન્યુઆરીથી દુબઈમાં શરૂ થનારી ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લઈ રહી છે. અદાણી ગલ્ફ જાયન્ટ્સ 15 જાન્યુઆરીએ પોતાની પ્રારંભિક મેચમાં અબુધાબી નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. ગલ્ફ જાયન્ટ્સ સ્કવોડ: જેમ્સ વિન્સે (કેપ્ટન), શિમરોન હેટમાયર, ક્રિસ જોર્ડન, ક્રિસ લિન, ટોમ બેન્ટન, ડોમિનિક ડરેક્સ, ડેવિડ વિસે, લિયામ ડાવસન, જેમી ઓવર્ટન, કૈશ અહમદ,  રિચાર્ડ ગ્લિસન, ઓલી પોપ, રેહાન અહમદ, સીપી રિઝવાન, અયાન અફઝલ ખાન, સંચિત શર્મા અને અશવંત વલથપ્પા.