અદાણીની કંપનીઓના દાવોસમાં તેલંગાણા સાથે રૂ. ૧૨,૪૦૦ કરોડના MoU

દાવોસઃ વિશ્વના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પૈકીની એક અદાણી પોર્ટફોલિયો અને તેલંગાણા સરકારે આજે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૨૪માં રૂ. ૧૨,૪00 કરોડથી વધુના મૂડીરોકાણ માટે ચાર સમજૂતી કરાર (MoU) પર તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી કરાર તેલંગાણાના હરિત, ટકાઉ, સમાવેશી અને પરિવર્તનશીલ આર્થિક વિકાસ માટે પાયાનું નિર્માણ કરવામાં મદદ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) આગામી ૫-૭ વર્ષમાં ૧00 મેગાવોટના ડેટા સેન્ટરમાં રૂ. ૫000 કરોડનું રોકાણ કરશે, રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલિત આ ડેટા સેન્ટરના પ્રોજેક્ટ માટે વૈશ્વિક સ્તરે સક્ષમ સપ્લાયર બેઝ વિકસાવવા કંપની સ્થાનિક MSME અને સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કરશે. જે ૬00 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે રોજગારી પૂરી પાડશે. તેલંગાણાના કોયાબેસ્તાગુડેમમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)  ૮૫૦ મેગાવોટ અને નાચરમમાં ૫00 મેગાવોટ ક્ષમતાના બે પંપના સ્ટોરેજ પ્રકલ્પો (પીએસપી) સ્થાપવા માટે રૂ. ૫000 કરોડથી વધુનું રોકાણ કરશે. અંબુજા સિમેન્ટ આગામી પાંચ વર્ષમાં વાર્ષિક છ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાના ૭૦ એકરમાં આકાર લેનારા સિમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ.૧૪00 કરોડનું રોકાણ કરશે. અંદાજે ૪000થી વધુ લોકો માટે સીધી અને આડકતરી રોજગારીની તકો ઉપલબ્ધ કરવા સાથે  આ પ્રોજેકટથી અંબુજાની ઉત્પાદન ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે. અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ.અદાણી એરોસ્પેસ પાર્કમાં કાઉન્ટર ડ્રોન અને મિસાઇલ સિસ્ટમના સંશોધન, વિકાસ, ડિઝાઇન, ઉત્પાદન અને એકીકરણ માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ સ્થાપવા માટે ૧૦ વર્ષમાં રૂ.૧000 કરોડથી વધુનું રોકાણ કરશે. અંદાજે એક હજારથી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવનારા  આ પ્રોજેક્ટ્સ દ્વારા વિકસિત ઇકોસિસ્ટમ ભારતની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.