ગાંધીધામમાં ‘તનિષ્ક’ શો-રૂમના માલિકને માફી માગવી પડી

ગાંધીધામ: ટાટા ગ્રુપની કંપનીની જ્વેલરી બ્રાન્ડ ‘તનિષ્ક’ની એક કમર્શિયલ જાહેરખબર ફિલ્મ કારણે મોટો વિવાદ થયો છે. કંપનીએ એ જાહેરખબર ગઈ કાલે જ પાછી ખેંચી લીધી છે, પરંતુ એ પહેલાં સોમવારે ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાંના ‘તનિષ્ક’ શોરૂમમાં રોષે ભરાયેલા કથિતપણે હિન્દુ સમર્થકો ધસી ગયાનો અને સ્ટોરના માલિક/મેનેજરને આ જાહેરખબર બદલ હિન્દુઓની માફી માગતી ગુજરાતી ભાષામાં એક નોંધ લખીને તે કાગળ સ્ટોરના કાચના દરવાજા પર ચોંટાડવાની ફરજ પાડી હોવાનો ઈન્ડિયન એક્સપ્રેસ, એનડીટીવી તથા અન્ય પ્રચારમાધ્યમોના અહેવાલ છે.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે.

દરમિયાન, ગાંધીધામમાં તનિષ્ક સ્ટોરના મેનેજર રાહુલ મનુજાએ કહ્યું છે કે એમના સ્ટોર પર કોઈ હુમલો કરાયો નથી, પરંતુ એમને કેટલીક ધમકીભર્યા ફોન કોલ્સ મળ્યા હતા.

કચ્છ (પૂર્વ)ના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મયૂર પાટીલે કહ્યું છે કે બે જણ ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર ખાતે ગયા હતા અને ગુજરાતી ભાષામાં માફી નોંધ દરવાજા પર ચોંટાડવાની માગણી કરી હતી. સ્ટોરના માલિકે એ પ્રમાણે કર્યું હતું. પરંતુ એમને કચ્છમાંથી ધમકીભર્યા ફોન કોલ્સ પણ મળી રહ્યા હતા. સ્ટોર પર હુમલો કરાયો હોવાના સમાચાર ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, ‘તનિષ્ક’ જ્વેલરીની તે જાહેરખબર ફિલ્મમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં માનતા લોકોના એક પરિવારને બતાવવામાં આવ્યો હતો. આભૂષણ કલેક્શન ‘એકત્વમ’ને પ્રસિદ્ધ કરવા માટે તેણે આ જાહેરખબર ગયા અઠવાડિયે રિલીઝ કરી હતી. પરંતુ સોશિયલ મિડિયા પર ભારે વિરોધ થયા બાદ ‘તનિષ્ક’એ તે જાહેરખબરને પાછી ખેંચી લીધી છે. રોષે ભરાયેલા હિન્દુ લોકોનો આક્ષેપ છે કે આ જાહેરખબર ‘લવ જિહાદ’ના સામાજિક દૂષણ અને નકલી ધર્મનિરપેક્ષતાને ઉત્તેજન આપે છે.

પરંતુ જાહેરખબર રિલીઝ કરાયા બાદ ટ્વિટર પર હેશટેગ ‘બોયકોટ તનિષ્ક’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ ટાટાની બ્રાન્ડ્સનો બહિષ્કાર કરવાની માગણી કરતા ટ્વીટ્સ કર્યા હતા.

આવી ટીકા થયા બાદ ‘તનિષ્ક’એ તેની જાહેરખબરને એમ કહીને પાછી ખેંચી લીધી હતી કે તેનો ઈરાદો કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. પણ તે છતાં અજાણતાં કોઈને ઠેસ પહોંચી હોય તો અમને તેનું દુઃખ છે. સાથોસાથ, અમે અમારા કર્મચારીઓ, ભાગીદારો તથા સ્ટોરના કર્મચારીઓની સલામતી અને રક્ષણને ધ્યાનમાં રાખીને આ એડફિલ્મને પાછી ખેંચી લીધી છે.

‘તનિષ્ક’એ એ પહેલાં જ યૂટ્યૂબ પર તેની આ જાહેરખબર પર કમેન્ટ્સ તથા લાઈક્સ અને ડિસલાઈક્સના બટન બંધ કરી દીધા હતા અને ગઈ કાલે તો એ જાહેરખબરનો વિડિયો સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો હતો.