12,000 તરુણીઓને સેનિટરી પેડ વિતરિત કરવાનું લક્ષ્ય

અમદાવાદ: અમદાવાદની શાળાઓમાં અભ્યાસ કરતી વંચિત વર્ગની તરુણીઓમાં માસિક કાળ દરમિયાન સ્વચ્છતા જાળવવાની સમજ કેળવવા માટે હાથ ધરાયેલા TGB ચેરિટેબલ કેમ્પેઇન ફોર મેનસ્ટ્રુઅલ હાઈજિન અંતર્ગત ગઈ કાલે  200 તરુણીઓને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TGB ચેરિટી મારફતે બાપુનગર અને અમદાવાદમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ નં. 16માં વંચિત વર્ગની તરુણીઓને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝના વિતરણમાં યુનિપેડ ઇન્ડિયા પ્રા. લિમિટેડની જોડે સાથ ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ પણ જોડાયુ હતું. હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારીના સંદર્ભમાં કાર્યક્રમના સ્થળે ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનના નિયમનું પાલન કરવામાં આવ્યું હતું.


સેનિટરી પેડઝની કિટસનું વિતરણ
આ સમારંભમાં ચર્ચા દરમ્યાન તરુણીઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા અને આ સમયગાળા અંગે ચાલી આવેલી જૂની માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુનિપેડઝ ઇન્ડિયાએ ઉત્પાદન કરેલા તથા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનિટરી પેડઝની કિટસની સાથે તરુણીઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતાની જાળવણી અંગે સ્થાનિક ભાષામાં પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કિટ વડે તરુણીઓ એક વર્ષ સુધી માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવી શકશે.

યુનિપેડઝ ઇન્ડિયા પ્રા. લિમિટેડના સ્થાપક ગીતા સોલંકીએ જણાવ્યું હતું કે સમાજના નબળા વર્ગમાંથી આવતી તરુણીઓ યોગ્ય શિક્ષણના અભાવે, જાણકારીની ઊણપ તથા નાણાકીય કારણોથી આ બાબતે ધ્યાન આપી શકતી નથી. આ ઝુંબેશના ભાગ તરીકે અમે અમારા સહયોગી TGB ચેરિટી અને સાથ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે આગામી ચાર માસમાં શાળામાં ભણતી કિશોર વયની તરુણીઓમાં માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવવાના મુદ્દે તથા તેમને કાપડનાં સેનિટરી નેપ્કિનની વહેંચણી કરવા માટે અમે રાજ્યની અર્ધશહેરી, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 12,000 તરુણીઓ સુધી પહોંચવા માટે ઝુંબેશ હાથ ધરી છે.

અમે છેલ્લાં ત્રણ સપ્તાહમાં 1000 તરુણીઓને આવરી લીધી છે અને બીજા તબક્કામાં વધુ 5000 તરુણીઓ સુધી પહોંચવાનું અમારું ધ્યેય છે. આગામી ચાર માસના ત્રીજા તબક્કામાં 6,000 તરુણીઓને આવરી લેવાશે, એમ તેમણે કહ્યું હતું.