અમદાવાદઃ એલજે કોલેજે શિસ્તપાલન માટે ટ્રાફિક પોલિસની સહાયતા લીધી

અમદાવાદઃ શહેરની એલ.જે. કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ટ્રાફિક પોલીસને લેખીત રજૂઆત કરીને કેમ્પસ બહાર હેલ્મેટ અને લાઈસન્સ વગર આવતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા દ્વારા એલ.જે. કેમ્પસ બહાર ડ્રાફિક ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા રોજના 400 મેમા ઈસ્યુ કરીને વિદ્યાર્થીઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. ત્યારે કોલેજ અને ટ્રાફિક પોલીસની આ કાર્યવાહી બાદ હવે વિદ્યાર્થીઓ કોલેજમાં હેલ્મેટ પહેરીને આવવા લાગ્યા છે.

શહેરના એસજી હાઈવે પર આવેલી એલ.જે કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજ પર વાહન લઈને આવે છે અને છેલ્લા ત્રણ વર્ષમાં 8 જેટલા ગંભીર અકસ્માતો થયા છે અને આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનું મૃત્યું પણ થયું છે. ત્યારે આ પ્રકારના ગંભીર બનાવો બાદ કોલેજ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો પણ યોજાયા હતા પરંતુ તેનું કોઈ જ પરિણામ ન આવતા કોલેજના સંચાલકોએ આખરે ટ્રાફિક પોલીસ કમિશનરને કેમ્પસ ખાતે ટ્રાફિક ડ્રાઈવ શરુ કરવા માટે લેખીત રજુઆત કરી હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને લાઈસન્સ વગર કોલેજ આવતા વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે વિદ્યાર્થીઓ હેલ્મેટ અને લાઈસન્સ સાથે આવવા લાગ્યા છે. કોલેજના પ્રિન્સીપાલે આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને દંડ થાય તેવો અમારો ઉદ્દેશ્ય નથી પરંતુ તેમની સલામતી અમારા માટે મહત્વની છે.