આતંકી મસૂદની નવી ઓડિયો ક્લિપ: PM મોદી માટે કર્યો અભદ્ર ભાષાનો પ્રયોગ

ઈસ્લામાબાદ- આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે વધુ એકવાર ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે. મસૂદે એક નવી ઓડિયો ક્લિપ જારી કરી છે. જેમાં તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. મસૂદે કહ્યું કે, જો પાકિસ્તાન સરકાર તેના ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી લેશે તો, તેના કશ્મીરી મુજાહિદ્દીન હિન્દુસ્તાનને પાઠ ભણાવશે.ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસો દરમિયાન ભારતીય સેના તરફથી આતંકીઓ વિરુદ્ધ જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે મસૂદ માટે ચિંતાનું કારણ છે. અને આજ કારણ છે કે, હવે મસૂદ વધુ એકવાર ભારતને ‘જોઈ લેવાની’ ધમકી ઉચ્ચારી રહ્યો છે.

મસૂદ અઝહરે તેની નવી ઓડિયો ક્લિપમાં કહ્યું છે કે, ‘પાકિસ્તાન સરકાર જો 6 મહિના માટે પ્રતિબંધો દૂર કરે તો અમે ઈન્ડિયાને તેની જ ભાષામાં જવાબ આપીશું’. મસૂદે કહ્યું કે, દિન્દુસ્તાન ઉપરથી તો ધમકી આપે છે પણ અંદરથી તે પોતે જ ડરી ગયેલું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટ શરુ કરવાના પ્રયાસ અંગે પણ મસૂદ અઝહરે ટિપ્પણી કરી હતી. મસૂદે કહ્યું કે, ભારતની શક્તિશાળી લોબીના દબાણમાં આવીને પાકિસ્તાન સરકાર ભારત સાથે વાત કરવા મજબૂર છે.

પોતાની ઓડિયા ક્લિપમાં મસૂદ અઝહરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. મસૂદે કહ્યું કે, ‘સારું થયું મોદી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા છે. ભારતીય સેના પ્રમુખ અંગે ટિપ્પણી કરતાં મસૂદે કહ્યું કે, હવે મોદીએ આર્મી ચીફને આગળ કર્યા છે. તે પાકિસ્તાનને ધમકી આપી રહ્યાં છે. મસૂદે કહ્યું કે, અમે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતા. અમારા મુજાહિદ્દીન હિન્દુસ્તાનને પાઠ ભણાવી શકે છે’.