‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ   

અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન-2022 અંતર્ગત આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ પછી તેમણે નવરંગપુરામાં પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. કેજરીવાલ પક્ષના ટોચના નેતાઓ સાથે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી.

કેજરીવાલે રાજ્ય સરકારથી માંડીને ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. દેશમાં છેલ્લા 75 વર્ષથી ભાજપ-કોંગ્રેસની સરકાર આવે છે અને ગુજરાતમાં 27 વર્ષથી એક જ પાર્ટીની સરકાર છે છતાં રાજ્યની સમસ્યાઓ યથાવત્ છે, તેમ કહીને કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

રાજ્યની વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલાં કેજરીવાલે ગુજરાતની મુલાકાત કરતાં રાજકીય ગરમાવો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે હવે ગુજરાતના લોકોને ત્રીજો વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં તમામ બેઠક પર આપ ઉમેદવાર ઊભા રાખશે.  જોકે ગુજરાતમાં દિલ્હીનું વિકાસ મોડલ લાગુ નહી થાય. પરંતુ ગુજરાતના છ કરોડ લોકો પોતાનું મોડલ જાતે નક્કી કરશે. તેમ પણ તેમણે કહ્યુ હતું.

ઇસુદાન ગઢવી આપમાં જોડાયા

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને ઇસુદાન ગઢવીનો આપમાં સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇસુદાનનું આપ પરિવારમાં સ્વાગત છે. ઇસુદાનના આવવાથી ગુજરાત ‘આપ’ને નવી ઊર્જા મળશે અને મને વિશ્વાસ છે કે આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ બદલાશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]