ભાજપના ગઢમાં ‘આપ’ના હેવીવેઇટ: ઇટાલિયા, સોરઠિયાને ટિકિટ

અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડશે અને પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયા કરંજ સીટથી ચૂંટણી લડશે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બંનેની ઉમેદવારીનું એલાન ટ્વીટ કરીને કર્યું હતું.

તેમણે લખ્યું હતું કે રાજકારણમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. રાજ્યમાં અમારા પ્રદેશાધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા અને પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠિયાને હું શુભેચ્છાઓ પાઠવું છું. પાર્ટીના સુરતની વરાછા રોડની સીટથી પાટીદાર આંદોલનના મોટા ચહેરા અને સમર્તકોની વચ્ચે ગબ્બરના નામથી મશહૂર અલ્પેશ કથીરિયાને વરાછા રોડથી ટિકિટ પાર્ટી આપી ચૂકી છે. પાર્ટીએ ઓલપાડ સીટથી અલ્પેશના મજબૂત સાથી ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે.

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારક છે. ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે. AAPના CMનો ચહેરો ઇસુદાન ગઢવી અને ગુજરાતમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજ જાડેજા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. રાજ્ય માટે AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં પંજાબ સરકારનાં બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું પણ નામ છે.