કોલેજિયમની ટીકાને સકારત્મક લેવી જોઈએઃ 50મા મુખ્ય ન્યાયાધીશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડે મુખ્ય ન્યાયાધીશ (મુખ્ય ન્યાયાધીશ- CJI) પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 50મા CJIના રૂપમાં તેમને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ દેશના CJI રહી ચૂક્યા છે. તેમના પિતાનો CJI તરીકે આશરે સાત વર્ષ અને ચાર મહિનાનો કાર્યકાળ રહ્યો હતો. જે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી લાંબો કાર્યકાળ છે. તેઓ 22 ફેબ્રુઆરી, 1978થી 11 જુલાઈ,1985 સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડ 10 નવેમ્બર, 2024 સુધી બે વર્ષ માટે CJIના પદ પર રહેશે. તેમણે ઉદય ઉમેશ લલિતની જગ્યા લીધી છે, જેમણે જસ્ટિસ ચંદ્રચૂડને ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી હતી.

કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજિજુ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિ માટે કોલેજિયમ વ્યવસ્થા અપારદર્શી, બિનજવાબદારના રૂપે બતાવવા અને એમાં મસમોટું રાજકારણ સામેલ હોવાની વાત કહ્યાના થોડા દિવસો પછી જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે દેશના 50મા CJIના રૂપે પદભાર ગ્રહણ કર્યો છે.જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમની આલોચનાને સકારાત્મકતાથી લેવી જોઈએ અને એને સુધારવા માટે પ્રયાસ કરવા જોઈએ.

જસ્ટિસ ચંદ્રચૂડ 11 નવેમ્બર, 1959એ પેદા થયા છે અને તેમણે 13 મે, 2016એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામ્યા હતા. તેઓ 29 માર્ચ, 2000થી 31 ઓક્ટોબર, 2013 સુધી બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ હતા. ત્યાર બાદ તેમને અલાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.