ભાવનગરઃ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, તેમનું સન્માન કરવું આ એક ક્રમ રહેતો હોય છે અને સામાન્ય રીતે વાર્ષિક પરીક્ષાના પરિણામ બાદ આવાં આયોજન થતાં હોય છે, પરંતુ ભાવનગરમાં આના કરતાં જુદું અને વિશિષ્ટ થયું. અહીંની સરકારી પ્રાથમિક શાળાનાં આચાર્યાને કંઈક એવો વિચાર આવ્યો અને વિદ્યાર્થીઓ માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો.
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ડો. હેડગેવાર પ્રાથમિક શાળાનાં આચાર્યા શબનમ કોઠારિયાને વિચાર આવ્યો હતો કે વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ ગુણાંક મેળવવાનું તો સન્માન થાય જ, પણ જો એકમ કસોટી, સત્રાંત પરિક્ષામાં સારા ગુણ મેળવનારને પ્રોત્સાહિત કરવામાં આવે તો? આવું સન્માન શાળામાં તો ગોઠવી જ શકાય, પરંતુ જો વિદ્યાર્થીના ઘરે જઈને તેનાં માતાપિતાની હાજરીમાં બાળકને સન્માનિત કરીએ તો આખો પરિવાર ગૌરવ અનુભવે અને બાળકને ભણવા માટે સૌ પ્રોત્સાહન આપે.
એક તો સરકારી શાળા- વળી, ભરતનગરના સ્લમ વિસ્તારનાં બાળકો… કામ જરા અઘરું હતું, પરંતુ ઉદ્દેશ સારો હતો અને કંઈક કરી છૂટવાની ભાવના હતી. શબનમબહેને શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિશિરભાઈ ત્રિવેદીને જણાવ્યું અને તેમણે પણ આ વિચારને વધાવી લીધો. તેઓ કહે છે, જ્યારે મને આચાર્યાબહેનનો ફોન આવ્યો કે બાળકોનું સન્માન કરવાનું છે ત્યારે આ પ્રકારે કોઈ વિશિષ્ટ આયોજન હશે તેવી કલ્પના પણ ન હતી. જ્યારે તેમના આ વિચારને જાણ્યો ત્યારે આનંદ થયો કે સરકારી શાળામાં પણ બાળકનું આ પ્રકારે ધ્યાન રાખનાર ખેવના કરનાર પણ શિક્ષકો છે.
એકમ કસોટીમાં એકથી પાંચ ક્રમમાં ઉતીર્ણ થયેલા ૪૨ વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમને સ્મૃતિચિહન, પ્રમાણપત્ર તથા અન્ય ઇનામો આપવામાં આવ્યાં ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવાનો મને ખૂબ આનંદ થયો. આ સમયે આ બાળકો અને તેમના પરિવારના ચહેરા પર છે ખુશી જોવા મળી હતી તે અવર્ણનીય છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં આ સૌ પ્રથમ ઘટના તો હતી અને પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવ્યા બાદ સન્માન થાય તેના કરતાં પણ વિશેષ વાર્ષિક પરીક્ષામાં વધુ ઉચ્ચ ગુણાંક લેવાની પ્રેરણા મળે તે રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તેવો સૌ માટે આ પ્રેરણાત્મક પ્રયોગ પણ હતો.