સાબરમતી જેલમાં એકસાથે 81 દર્દીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાઇરસની સૌથી વધુ અસર અમદાવાદમાં છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 81 કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી કેદીઓની પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાવચેતીના ભાગરૂપે કેદીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ ટેસ્ટિંગમાં જેલના 81 કેદીઓ સંક્રમિત માલૂ પડ્યા હતા. આ કેદીઓમાંથી પાંચ કેદીઓનું સ્વાસ્થ્ય વધુ કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બાકીના 76 કેદીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા.

આ પહેલાં ગયા વર્ષે જૂનમાં 54 કેદીઓ અને જેલના 16 અધિકારી પણ કોરોનાગ્રસ્ત થયા હતા.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 12,545 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 13,021 સાજા થઈ ગયા છે. આ દરમિયાન વધુ 123 દરદીનાં મૃત્યુ થયાં છે અને સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા 8035 પર પહોંચી છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના 1,47,525 સક્રિય કેસ છે, જેમાંથી 786 વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં ચાર લાખ 90,0000 કરતાં વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.