અમદાવાદઃ જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય વિશ્વ ઉમિયાધામ– જાસપુર, અમદાવાદ મુકામે રાત-દિવસ ચાલી રહ્યું છે ત્યારે ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનો અને કારોબારી સભ્યો તેમ જ વિશ્વ ઉમિયાધામ, જાસપુર અમદાવાદના ટ્રસ્ટીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બંને દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજપયોગી અને સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી હતી. આ સાથે જ વિશ્વ ઉમિયાધામ મંદિરના ધર્મસ્તંભના નિર્માણ કાર્યને પણ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટીઓ નિહાળ્યું હતું. આ બેઠકમાં સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિરનું કાર્ય વિશ્વભરમાં પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો.
આ કાર્યક્રમ અંગે વાત કરતાં વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું છે કે ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ સમસ્ત પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. આજે વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટી પરિવાર આપનું ઉમળકાભેર સ્વાગત કરે છે. આવનારા સમયમાં સમાજના નાના માણસ સુધી સમાજપયોગી કામ પહોંચડવા વિશ્વ ઉમિયાધામ તત્પર છે. બંને સંસ્થા સાથે મળી સમાજના ઉત્થાન માટે કામ કરતા રહીએ એવી માતાજીને પ્રાર્થના.
આ ઉપરાંત ઉમિયા માતાજી સંસ્થાન -ઊંઝાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે (એમ.એસ.પટેલે) જણાવ્યું હતું કે બંને સંસ્થા એક જ છે અને સમાજપયોગી કામોમાં અમે વિશ્વ ઉમિયાધામની સાથે છીએ. તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી રીતે વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે તેવી જ રીતે મા ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર એટલે વિશ્વ ઉમિયાધામ પણ જગપ્રસિદ્ધ થશે.