વિદેશપ્રધાન જયશંકરે રાજ્યસભા માટે દાખલ કર્યું નામાંકન

ગાંધીનગરઃ વિદેશપ્રધાન એસ.જયશંકરે ગુજરાતથી રાજ્યસભાની બેઠક માટે થનારી ચૂંટણી માટે  નામાંકન દાખલ કર્યું છે. તેમણે કહ્યું હતું કે મેં હાલ ઉમેદવારી પત્ર ભર્યું છે, ફરીથી ભાજપનો ઉમેદવાર બન્યો છું. હું સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. અહીંની જનતાનો આભાર માનું છે. તેમણે કહ્યું હતું કે મેં પાછલાં વર્ષોમાં ગુજરાત પાસેથી ઘણુંબધું શીખ્યો છું.  તેમણે જ્યારે નામાંકન દાખલ કર્યું, ત્યારે પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમ જ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઈ એ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ચૂંટણી પૂરી થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાશે. રાજ્યમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે, જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે અને કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે.

ઓગસ્ટમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું હતું કે એ ગુજરાતથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે થનારી ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે, કેમ કે 182 સભ્યોવાળી વિધાનસભામાં એની પાસે પર્યાપ્ત વિધાનસભ્યો નથી. ગુજરાતમાં ગયા વર્ષના અંતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો પર જીત હાંસલ થઈ હતી.

રાજ્યમાં ત્રણ બેઠક પૈકી એક બેઠક પર એસ. જયશંકરને ભાજપ રિપીટ કરશે, જ્યારે બાકીની બે બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થાય એવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યાનુસાર  ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક સિનિયર નેતાને લઈ જવા ધારે છે.

બીજી તરફ, એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે. એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે.