અંબાજી મંદિરની દાનપેટીમાંથી મળ્યું એક કિલો સોનું!

કહેવાય છે કે શ્રદ્ધાના કદી પુરાવા નથી હોતા. પરંતુ ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં ભક્તની શ્રદ્ધાના પુરાવા મળ્યા છે. એટલે કે અંબાજી મંદિરની દાન પેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી છે.

ગુજરાતનું અંબાજી મંદિર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. બારે મહિના અહીં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ભક્તોના ઘોડાપૂર સાથે અહીં દાનની પણ સરવાણી થતી રહે છે. ભૂતકાળમાં પણ અંબાજી મંદિરમાં લાખો રુપિયાના સોનાનું દાન ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એછે કે પહેલી વારર અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું દાન પેટીમાં મુકવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી ધામમાં શ્રદ્ધાળુએ ‘સુવર્ણ’ ભેટ અર્પણ કરી છે. મંદિરનો ભંડાર ખુલતા અંદરથી સોનાની 10 લગડી મળી આવી છે. એક ભક્તે 100 ગ્રામ વજનની 10 લગડી મંદિરમાં ભેટ ચઢાવી છે. સોનાની 10 લગડી ચુંદડીમાં બાંધેલી હતી. કુલ એક કિલો વજનની લગડીની કિંમત રૂપિયા70 થી 75 લાખ હોવાનો અંદાજો છે.

નોંધનીય છે કે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે. મંદિરને સોને મઢવા શ્રદ્ધાળુઓ દ્વારા સતત સોનાનું દાન કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર અજાણ્યા ભક્ત દ્ધારા સોનાની લગડીઓ દાન કરવામાં આવી છે.