ચંદ્રયાન-2 માં સૂરતી કંપનીનું યોગદાન,એવો પાર્ટ બનાવ્યો જેની અમેરિકાએ ના પાડી હતી

સુરતઃ ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને તકનીકી કારણોસાર રોકી દેવામાં આવ્યું છે. લોન્ચિંગના ઠીક 56.24 મિનિટ પહેલાં ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દીધું. 15મી જુલાઇના રોજ વહેલી સવારે 2.51 વાગ્યે ચંદ્રયાન-2ને દેશના સૌથી તાકાતવર બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવાનું હતું. પરંતુ આ આખા મિશનમાં એક મહત્વની એ છે કે ઈસરોની આ મહત્વની સિદ્ધિમાં ડાયમન્ડ સિટી સૂરતનો પણ ફાળો રહેશે. ચંદ્રયાન-2નો નાનકડો ઘટક સૂરતમાં તૈયાર કરવામાં આવ્યો છે જે આ મિશનમાં મહત્વનો ભાગ ભજવશે.

પાંડેસરા GIDCમાં આવેલી એક ખાનગી કંપનીએ પ્રોટેક્ટિવ સિરામિક કમ્પોનન્ટ તૈયાર કર્યું છે, જેને ઈસરોના વૈજ્ઞાનિકો સ્કિબ તરીકે ઓળખે છે. આ રોકેટની સિસ્ટમનો એક ભાગ છે જે વાયર અને ઈલેક્ટ્રિક એપરેટસને 2500 ડિગ્રી સેલ્સિયસથી 3,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રક્ષણ આપશે. સ્કિબ સ્થાનિક ઉદ્યોગો અને વૈજ્ઞાનિકોની 25 વર્ષની મહેતનું પરિણામ છે. ભૂતકાળમાં ઈસરો સ્કિબની આયાત કરતું હતું. 1992માં ઈસરોના વૈજ્ઞાનિકોએ સ્કિબ બનાવવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. તેમણે 1995માં સ્કિબ તૈયાર કર્યું અને ઈસરોને આપ્યું.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિમેશ બચકાનીવાલાએ મીડિયાને માહિતી આપી કે “એક ભારતીય અને ગુજરાતી તરીકે અમારા માટે આ ગર્વની ક્ષણ છે. અમે છેલ્લા 25 વર્ષથી આગ સામે રક્ષણ આપતા સિરામિક કમ્પોનન્ટ ઈસરોને સપ્લાય કરીએ છીએ.

અગાઉ ઈસરો આ ભાગને વિદેશથી આયાત કરતું હતું પરંતુ અમારી પ્રોડક્ટ જોઈને તેમને સંતુષ્ટિ થઈ. વિદેશી કંપનીઓએ 1992થી ઈન્ડિયન સ્પેસ મિશનને આ મહત્વનો ભાગ આપવાનું બંધ કરી દીધું. ત્યારે રોકેટ માટે એકદમ તેવા જ ભાગ ઉત્પાદિત કરવાના દ્વાર અમારા માટે ખુલ્યા. 25 વર્ષથી અમારી કંપનીના ફાયરપ્રૂફ કમ્પોનન્ટ ઈસરોના દરેક સ્પેસ મિશન અને દેશના મિસાઈલ પ્રોગ્રામમાં વપરાય છે.”

બચકાનીવાલાએ આગળ કહ્યું, “કોઈ ચોક્કસ મિશન માટે અમે 6,000 કમ્પોનન્ટ પૂરા પાડીએ છીએ. ઈસરોના ઓર્ડર પ્રમાણે કમ્પોનન્ટ પૂરા પાડવાના હોય છે. આ વર્ગીકૃત માહિતી (ખાનગી રખાતી માહિતી) હોવાથી મીડિયા સાથે ચર્ચા કરતાં પહેલા મારે ઈસરો પાસેથી મંજૂરી લેવી પડે છે.

મારી પત્નીને પણ આજ સુધી ખબર નહોતી કે અમે ઈસરો માટે કઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. તેને પણ હાલમાં જ જાણ થઈ.” બચકાનીવાલા પરિવાર વર્ષોથી ટેક્સટાઈલ મશીનનું ઉત્પાદન કરતો હતો. બાદમાં નિમેશ બચકાનીવાલાએ સિરામિક સેક્ટરમાં પણ પદાર્પણ કરવાનો નિર્ણય લીધો