જૂનાગઢ-મનપાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો

જૂનાગઢ- મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ટક્કર ચાલી રહી છે. મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 25 બેઠકો પર એનસીપીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે ત્રીજા પક્ષ તરીકે એનસીપી દ્વારા ગઈકાલે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં જૂનાગઢને ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાની વાત કરવામાં આવી છે.

તો બીજી તરફ ભાજપ દ્વારા પણ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. ભાજપે તેના સંકલ્પપત્રમાં જૂનાગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ઉપરાંત નરસિંહ તળાવને ફરતે  કાંકરિયા જેવો રિંગ ગાર્ડન રોડ બનાવવો. જોશીપુરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ઓવરબ્રિજ બનાવાશે. તેમજ પાણીની સમસ્યાના નિવારણ માટે ઝાંઝરડા વિસ્તારમાં તળાવવાની પણ તેમના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભાજપે તેમના સંકલ્પ પત્રમાં જૂનાગઢને રેલવે ફાટક મુક્ત બનાવવાનું વચન પણ આપ્યું છે.પ્રવાસન થકી રોજગારીનું સર્જન કરવા તેમજ ચાલુ વર્ષે જ ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું પણ વચન આપ્યું છે. ઐતિહાસિક સિટી તરીકે જૂનાગઢની છબીને ટકાવી રાખવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે. જૂનાગઢવાસીઓને રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવશે અને સફાઈ માટેના આધુનિક સાધનો વસાવવાની વાત પણ કહેવામાં આવી છે.

શહેરના મહત્તમ વિસ્તારમાં મહિલાઓ માટે વોશરૂમ બનાવવા, ભવનાથમાં ઐતિહાસિક સુદર્શન તળાવનું નવિનીકરણ, લોકોની ફરીયાદો માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વપરાયેલા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવી શાક માર્કેટ બનાવાશે, સિનિયર સિટીઝન પાર્ક, શહેરમાં રાત્રી બજાર શરૂ કરવી,વિકસિત વિસ્તારમાં ટાઉનહોલ બનાવવા, વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવું, વિધાર્થીઓ માટે ઈ લાઈબ્રેરી શરૂ થશે, ગિરનાર અભ્યારણ્યમાં સિંહ દર્શન શરૂ કરાશે, પર્યટન અને ધાર્મિક સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરાશે વગેરે વચનો ભાજપે તેના સંકલ્પ પત્રમાં આપ્યા છે.

જૂનાગઢમાં વિવિધ વોર્ડમાં પ્રચાર કાર્યને વેગવાન બનાવવા ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ત્રણ કાર્યાલય ખોલવાનું મિનીમમ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુમાં વધુ કાર્યાલય ખોલી કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર કાર્યને વધુ તેજ બનાવાઈ રહ્યું છે. ભાજપની જેમ જ એનસીપી એ પણ પ્રચારકાર્યને તેજ બનાવી ભાજપથી એક ડગલું આગળ વધી વોર્ડ દિઠ ૪ કાર્યાલય ખોલવાનું જણાવ્યું છે તો કોંગ્રેસ પણ વોર્ડ દિઠ ત્રણ કાર્યાલય ખોલવાનું જણાવ્યું છે.

 

આમ અંતિમ દિવસોમાં દરેક રાજકીય પક્ષો પ્રજાને પોતાના તરફ આકર્ષિત કરી મત મેળવવા માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ પ્રયાસમાં કોણ કેટલું સફળ થાય છે એ તો આગામી 23 જુલાઈએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે.