સુરતઃ શહેરમાં આજે સ્વચ્છતાને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરતની જુદી-જુદી સ્કૂલના 25,000થી વધુ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેમાં 15 કિલોમીટરથી વધુ લાંબી વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી હતી. આ કાર્યક્રમ સુરત પોલીસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયો હતો.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના હોવાથી સ્વચ્છતાના ભાગરૂપે “માનવ સાંકળ” કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની નાનપણથી જ આદત પડશે તો પ્રધાન મંત્રીએ શરૂ કરેલી ઝુંબેશ ખરા અર્થમાં સફળ થશે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ માનવ સાંકળ ટ્રાય કલર બેન્ડ બાંધી ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ આપશે. સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાનના આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાયજંક્શનથી ચોસઠ જોગણી મંદિર સુધી ‘માનવ સાંકળ’ રચવામાં આવશે. 15 કિમીની ‘માનવ સાંકળ’ 30 બ્લોકમાં રચવામાં આવશે.