થશે નર્મદાના નીરના વધામણાંઃ ઉજવાશે ઐતિહાસિક ઉત્સવ…

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ખાસ મહોત્સવ ઉજવવામાં આવશે. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરના રોજ ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉજવણીમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે જે જિલ્લા મથકે આ ઉજવણી થવાની છે તે ગામ કે નગર ખાતે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી નદી કાંઠા તળાવો ચેકડેમ જેવા જળ સ્ત્રોતોની સાફ સફાઈ કરાશે. સવારે ૧૦:00 વાગ્યે  લોકમાતા માં નર્મદાના નીરના વધામણાં શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરવામાં આવશે. મહા આરતી બાદ ૧૦:૩૦ થી ૧૧:00 વાગ્યા દરમ્યાન જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં   વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાતની નેમ સાકાર કરાશે.