ભારતીય મૂળના ક્રિકેટર મોન્ટીને બનવું છે લંડનના મેયર

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર 37 વર્ષના મોન્ટી પનેસરે અત્યારે ક્રિકેટમાંથી સંન્યાસ નથી લીધો, પણ એની ઇચ્છા હવે લંડનના મેયર બનવાની છે. ભારતીય મૂળના મોન્ટીએ કહ્યું છે કે વર્તમાન મેયર સાદિક ખાનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને તે પોતાને મેયર પદની રેસમાં ઉતારવા ઈચ્છે છે.

પનેસરે લવ સ્પોર્ટ્સ રેડિયો પર પૂછ્યું કે, હું લંડનમાં રહું છું અને મને લાગે છે કે મને આમાં રસ છે. જો હું ચૂંટણી લડું તો શું આપ મને વોટ આપશો? ઉલ્લેખનીય છે કે લંડનના મેયર માટે આવતી ચૂંટણી 7 મે 2020ના રોજ થશે. જે લંડન એસેમ્બલી ચૂંટણી સાથે થશે. વર્તમાનમાં લંડનના મેયરનું પદ લેબર પાર્ટીના સાદિક ખાન પાસે છે, જે 2016 માં ચૂંટાયા હતા.

બીજી તરફ મોન્ટી બીજીવાર ક્રિકેટ રમવાની પણ ઈચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે હું ફરીથી ક્રિકેટ મેદાન પર ઉતરવા ઈચ્છું છું. હું મારી ફિટનેસ પર કામ કરી રહ્યો છું. હું કડક મહેનત કરીશ. આશા છે કે મને પ્રથમ શ્રેણીના કાઉન્ટિમાં તક મળી જશે. હું લંડનમાં રહું છું અને મારું માનવું છે કે ધીરે-ધીરે રાજનીતિમાં પ્રવેશ કરી લઉં. મારા માટે લંડનના મેયર બનવાની ઉજળી તક છે.

પનેસરે પણ પોતાની પ્રાથમિકતાઓ ગણાવી. તેમણે કહ્યું કે, હું તમામ પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓમાં ક્રિકેટ જોવાનું પસંદ કરીશ. પરંતુ લંડનમાં જે થઈ રહ્યું છે, તે સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે હું નિશ્ચિત રુપથી લોકોની મદદ કરીશ. લોકો જે ચાહે છે, તેને પૂરું કરવામાં મને વધારે રસ હશે.

મોન્ટી પનેસરે ઈંગ્લેન્ડ દ્વારા 50 જેટલી ટેસ્ટ મેચો રમી છે અને 167 વિકેટ લીધી છે. 26 વન ડે ઈન્ટરનેશનલ મોચોમાં તેમના નામે 24 વિકેટ નોંધાયેલી છે. તેમણે એક જ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેમને બે વિકેટ મળી છે. મોન્ટીએ 2006 માં નાગપુરમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કહ્યું હતું. મોન્ટીએ વર્ષ 2017 માં 30 વર્ષ બાદ અચાનક લુધિયાણા કોચર માર્કેટ સ્થિત પોતાના દાદાના ઘરે પહોંચી તેમને સરપ્રાઈઝ આપી હતી.