અમદાવાદઃ સુરતની હજીરાની એએમ/એનએસ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની મીરા કાર્તિક વાસને નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઇતિહાસમાં કંડાર્યું છે. પાંચ વર્ષની મીરાંએ 12 વિવિધ પેઇન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને તેની કલાત્મક કુશળતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે, જેમાં સોફ્ટ પેસ્ટલ આર્ટ, કાર્ટૂન સ્કેચિંગ, પેલેટ નાઇફ પેઇન્ટિંગ, ફિંગર પેઇન્ટિંગ, મંડાલા, મધુબની, વારલી આર્ટ, ચારકોલ આર્ટ, એક્રેલિક પેઇન્ટિંગ, વોટર કલર વેટ ઓન વેટ, બર્ડ પેઇન્ટિંગ અને પ્રિન્ટિંગ સ્કિલ વિથ વોટર કલરનો સમાવેશ થાય છે.
મીરાંની સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતાં એએમ/એનએસ ઇન્ટરનેશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ સુનીતા મટ્ટુએ જણાવ્યું હતું કે મીરા અને તેની અભૂતપૂર્વ સિદ્ધિ માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. આટલી નાની ઉંમરમાં વિવિધ પેઇન્ટિંગ સ્કિલ હસ્તગત કરવી તે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેની આ સિદ્ધિ વિદ્યાર્થીઓના કૌશલ્યનું સંવર્ધન થાય તેવું વાતાવરણ પૂરું પાડવાની અમારી નિષ્ઠા દર્શાવે છે.
સ્કૂલનું વાતાવરણ તેમના અભ્યાસમાં ઉત્તમ પરિણામ લાવવાના પ્રયાસોની સાથે-સાથે તેમનામાં સક્રિય કલા ભાવના પેદા કરવાનું વાતાવરણ દર્શાવે છે. મીરાની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની રુચિ ધરાવતા વિષયમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે. ચેન્નાઈમાં ઓક્ટોબર 17, 2017એ જન્મેલી મીરાએ 18 ઓગસ્ટે પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.