ભગવાન જગન્નાથજી મંદિરમાં સર્જાઇ ગઇ કરુણ ઘટના

અમદાવાદ- શહેરના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરમાં એક બાળકીના મોતનો બનાવ બન્યો છે. જાણવા મળ્યાં પ્રમાણે મંદિરના આંગણે રમી રહેલી બાળકીને રીવર્સમાં લેવાયેલી કારે કચડી નાંખી હતી.અકસ્માતનો ભોગ બનેલી બાળકી મંદિરના કર્મચારીની દીકરી હતી. ત્રણ વર્ષની બાળકીનું મંદિરના આંગણે મોત થતાં વિસ્તારમાં દુઃખની લાગણી સાથે શોકમય વાતાવરણ ફેલાઇ ગયું હતું.

ગાયકવાડ હવેલી પોલિસને ઘટનાની જાણ થતાં પોલિસ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મંદિરના પ્રાંગણમાં કારને અંદર લાવવાની મનાઇ છે તોપણ કોઇ કારચાલક મંદિરમાં કાર લઇને આવ્યો હતો. આ સમયે સીક્યૂરિટી ગાર્ડની ઉપસ્થિતિની જાણકારી મળી નથી.

કારચાલક કારને રીવર્સમાં લેતો હતો ત્યારે બાળકી એડફેટે ચડીને કચડાઇ ગઇ હતી જ્યાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પોલિસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.