ખાનગી કોલેજને સૌથી વધુ 150 બેઠક સાથે કુલ 370 તબીબી બેઠક વધી

ગાંધીનગર-  આ વર્ષે પણ ગુજરાતની ચાર તબીબી કોલેજને બેઠક વધારો આપવામાં આવ્યો છે. બેઠક વધારો અપાયો છે તેમાં રાજ્ય સરકાર હસ્તકની વડોદરા, સૂરત અને જામનગર ખાતેની મેડિકલ કોલેજો છે અને પાલનપુરની જિલ્લા હોસ્પિટલ ખાતે સ્થપાનાર નવી ખાનગી મેડિકલ કોલેજમાં એમબીબીએસની નવી બેઠકો મંજૂર કરાઇ છે.જામનગર મેડિકલ કોલેજમાં 50, સૂરતમાં 100, વડોદરામાં 70 અને પાલનપુરની મેડિકલ કોલેજ ખાતે સૌથી વધુ 150 બેઠકો મળી કુલ 370 બેઠકો ઉપલબ્ધ થશે. આગામી સત્રથી આ બેઠકો ઉપર પ્રવેશ અપાશે. રાજ્યમાં અત્યાર સુધી એમબીબીએસની 3830 બેઠકો પ્રાપ્ત હતી જેમાં આ નવી 370 બેઠકો ઉમેરાતાં કુલ 4200 બેઠકો ઉપલબ્ધ થશે.

રાજ્યમાં તબીબી કોલેજોમાં જવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓની મોટેભાગે પ્રથમ પસંદગી રહે છે પરંતુ બેઠક ઉપલબ્ધ ન થતાં અન્યત્ર જવું પડતું હોય છે. આ પરિસ્થિતિ ટાળવા માટે થી રહેતી રજૂઆતોને લઇને ક્રમશઃ તબીબી કોલેજોમાં બેઠક વધારવાની મંજૂરી અપાય છે.  

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ-૨૦૦૫-૦૬ દરમિયાન એમબીબીએસની 1525 બેઠકો હતી તેમાં છેલ્લાં 12 વર્ષમાં વધારો થઇને 4200 બેઠકો થઇ છે.