ગુજરાતમાં આકરી ગરમીમાં લાગી બ્રેક, એકા-એક અમદાવાદમાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ભીષણ ગરમીમાં શુક્રવારે (11 એપ્રિલ) નોંધપાત્ર રાહત મળી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું, જે ગત 24 કલાકમાં 6 ડિગ્રી ઘટ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યભરમાં તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગત રાત્રે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ (12થી 14 એપ્રિલ) અમદાવાદનું તાપમાન 39થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, 15થી 17 એપ્રિલ દરમિયાન ગરમીનું જોર ફરી વધવાની સંભાવના છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 44 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરી 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં ગરમીની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.