ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોની હત્યા થયાની ઘટના સામે છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અમાદાવાદમાં બે હત્યાના બનાવ
અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કર્યું હતું. સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પોલીસ તપાસમાં કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી વેપારીને હત્યા કરાવી હોવાનો સામે આવ્યું છે. બીજી તરફ કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે 2 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. મૃતક નાનકો ઠાકોર અને આરોપી વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં બે હત્યા
સુરતના કતારગામ વિસ્તારમાં શનિવારે સાંજે પીકઅપ ટેમ્પાએ બાઈકને ટક્કર મારતા પીકઅપ ચાલકને સમજાવા ગયેલા બેંકના પટાવાળા એવા આધેડ સાથે માથાકૂટ કરીને ચાલકે પીકઅપ વેન ચઢાવી દીધી હતી. ત્યાર બાદ પુરઝડપે હંકારી આધેડને લગભગ 150 મીટર સુધી ઢસડી જતાં ઘટના સ્થળે આધેડનું મોત થયું હતું. પોલીસે પીકઅપ ચાલક સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ તરફ સુરતના ચોકબજાર વિસ્તારમાં પણ હત્યાનો બનાવ બન્યો હતો. શહેરની પારસ સોસાયટીમાં હત્યારાઓએ એક વ્યક્તિની હત્યા કરી ફરાર થઈ ગયા છે. ભોગ બનનાર ઘરની બહાર હતો તે સમયે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવ્યા અને તેને છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા.
રાજકોટમાં ડેપ્યુટી મેયર છરી વડે હુમલો
રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમનાના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો હતો. સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે આરોપી સન્નીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.