રાજકોટ જિલ્લામાં આ માટે ભેળવી દેવાયાં 5 ગામડાં…

રાજકોટ– જિલ્લાના કલેક્ટરતંત્ર દ્વારા ચોટીલાના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ભેળવી દેવાયાં છે. તાત્કાલિક ધોરણે થયેલી આ કામગીરીનું કારણ અમદાવાદ હાઇવે પર બની રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ થોડા સમય પહેલાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટેના સ્થળની જમીન રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહી છે જેની કામગીરીમાં અડચણો આવી રહી છે. જેને લઇને તકેદારીના ભાગરુપે ચોટીલાના પાંચ ગામ રોજકોટ જિલ્લામાં ભેળવી દેવાયાં છે. પ્રાંત કચેરી દ્વારા તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ફાઇલ તસવીર

રાજકોટના હિરાસરમાં 1700 એકરની જમીન પર ગુજરાતનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની કામગીરીના શ્રીગણેશમાં અમુક ટેન્ડર પણ બહાર પડી ગયાં છે. ત્યારે ચોટીલાના નવાગામ, બામણબોર, ગારીડા, ગૂંગાળા અને જીવાપર ગામને રાજકોટ જિલ્લામાં ભેળવી દેવાયાં છે જે વહીવટી સરળતા માટે હોવાનું રાજકોટ કલેક્ટરે જણાવ્યું હતું. જોકે જિલ્લાની બેઠકોના સમીકરણમાં રાજકીય પક્ષોની ગણતરીએ આ પગલાંની શી અસર પડશે તેની જોરદાર ચર્ચાઓ શરુ થઇ ગઇ છે.