દેશના 7 રાજ્યોમાં તોફાન-વરસાદનો કહેર, 90થી વધુના મોત, વધી શકે છે મૃત્યુઆંક

નવી દિલ્હી- દિલ્હી-એનસીઆર સહિત દેશના પૂર્વોતર રાજ્યો અને દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વિવિધ રાજ્યોમાં થયેલી જાનહાનીની સંખ્યાનો આંક 90થી વધુ થવા જાય છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.રાજસ્થાનના ચાર જિલ્લામાં વાવાઝોડાના કારણે 22 લોકોના મોત થયા છે. ભરતપુર, ધૌલપુર, અલવર અને ઝુંઝુનુંમાં મોડી રાત સુધી લાઈટ પણ નહતી. સાંજે લગભગ 6 વાગે શરુ થયેલા આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની માપવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના આગરામાં ગત મોડી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે ગ્રામીણ વિસ્તારો ખૂબ પ્રભાવિત થયા છે. અહીં વાવાઝોડા અને વરસાદના કારણે 24 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. અહીં પવની ગતિ 132 કિમી પ્રતિ કલાકની નોંધવામાં આવી છે. તો દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો લાપતા થયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી દિવાલ ધરાશાયી થતાં બે અલગ અલગ જગ્યાએ ચાર લોકોના મોત થયા છે.