અમદાવાદ: રાજ્યની સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં 40 હજાર પ્રિ-સ્કૂલોના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ ઍસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે.
આ મામલે આજે રાજ્યની તમામ પ્રિ-સ્કૂલના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા હતા. રિવરફ્રન્ટ ખાતે વડોદરા, રાજકોટ, સુરત અને મોરબી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રિ-સ્કૂલના સંચાલકો એકઠા થયા છે. ત્યારબાદ અહીંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા નિયમોમાં મકાન માલિકી અંગેની શરતો અને ભાડાના કરાર અંગેના નિયમો ખૂબ કડક છે. જેના કારણે ઘણા પ્રિ-સ્કૂલ સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં. નવા નિયમોમાં કેટલીક વિસંગતતાઓ છે જેના કારણે પ્રિ-સ્કૂલ સંચાલકોને મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં જ્યારે જ્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે સરકાર દ્વારા અનેકવાર આ પ્રકારે નવા નિયમો અને ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે. પરંતુ તેની અમલવારીનું સૂરસૂરિયું નિકળી જતું હોય છે. બધુ તરખટ થોડોક સમય ચાલે છે, પરંતુ સમય જતાં બધા જ નિતિ નિયમો અને ગાઇડલાઇન નેવે મૂકી દેવામાં આવે છે.
પ્રિ-સ્કૂલના સંચાલકોની શું છે માંગ?
– સરકાર આ નિયમોમાં ફેરફાર કરીને પ્રિ-સ્કૂલ શિક્ષણને સરળ અને સસ્તું બનાવે આ નિયમોમાં (બીયુ)બિલ્ડિંગ પરમિટ, ભાડા કરાર અને ટ્રસ્ટ નોંધણી જેવા મુદ્દાઓ સામેલ છે, જેને લઈને પ્રિ-સ્કૂલ સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
– મકાન માલિકી અંગેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે, ભાડાના કરાર અંગેના નિયમોમાં સરળતા આપવામાં આવે અને પ્રોપરાઇટરશિપ અથવા ભાગીદારીના વિકલ્પને પણ મંજૂરી આપવામાં આવે.
– સરકારે નવા નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. જેથી કરીને પ્રિ-સ્કૂલો સરળતાથી નોંધણી કરાવી શકે અને નાના બાળકોને સારું શિક્ષણ મળી શકે.
નિયમોની આડ-અસર શું થશે
– નવા નિયમોને લીધે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થઈ શકે છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડશે. તેમજ ઘણી મહિલાઓની રોજગારી પણ જોખમમાં મૂકાશે.
– પ્રિ-સ્કૂલો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રિ-સ્કૂલમાં બાળકોને શિક્ષણ ઉપરાંત સામાજિક કુશળતા, સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસ જેવી અન્ય ઘણી બધી કુશળતા શીખવા મળે છે.
– નવા નિયમોના કારણે ઘણા પ્રિ-સ્કૂલ બંધ થવાની સ્થિતિમાં છે. જેના કારણે નાના બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. આ ઉપરાંત, આ નિયમોને કારણે પ્રિ-સ્કૂલ શિક્ષણ મોંઘુ બનશે અને સામાન્ય માણસ માટે પ્રિ-સ્કૂલ શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે.
