રાજ્યમાં વાવાઝોડાને લીધે કૃષિને 3000 કરોડનું નુકસાન

અમદાવાદઃ ‘તાઉ’તે’ વાવાઝોડાએ રાજ્યમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધુ પ્રભાવિત થયા છે. બાજરી, ડાંગર, મગફળી, કઠોળ, તલ સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્યમાં પ્રાથમિક તબક્કે રૂ. 2500-3000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. જોકે તાજેતરમાં વડા પ્રધાને ગુજરાત મુલાકાત બાદ રૂ. 1000 કરોડની ત્વરિત આર્થિક સહાય પણ જાહેર કરી દીધી છે.
ગીર-સોમનાથ અને ભાવનગરમાં કેળાંના પાકને નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં જ રાજ્યમાં આવેલા બગીચા પૈકી 50 ટકા બગીચા છે, જેમાં 80 ટકાથી વધારે નુકસાન હોવાનો અંદાજ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે. કચ્છ-રાજકોટમાં અંદાજિત 19,000 હેક્ટરમાં ખારેકની ખેતીને નુકસાન થયું છે. ડ્રેગન (કમલમ્) ફ્રૂટ અને જાંબુની ખેતીને પણ નુકસાન થયું છે. રાજ્ય સરકારના પ્રાથમિક સર્વે પ્રમાણે આ કુદરતી આપત્તિથી રાજ્યને રૂ. 5000 કરોડ કરતાં વધુ નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ જણાવ્યું હતું કે અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિત રાજ્યભરમાં રૂ. 2500-3000 કરોડનું પાકનું નુકસાન છે. તલ, મગ જેવા પાકોનો લણણીનો સમય થઇ ગયો હતો તેમાં 70થી 90 ટકા પાક બગડી ગયો છે. સરેરાશ 50 ટકા આંબાઓ પડી ગયા છે. સરકારને અમે યોગ્ય વળતર આપવું જોઇએ માગ કરી છે.

સુરતમાં કૃષિને રૂ. 500 કરોડનું નુકસાન

સુરતમાં ખેડૂતોને વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં મોટા ભાગનો ઊભો પાક વાવાઝોડાની ઝપટે ચઢ્યો હતો. એક અંદાજ મુજબ એકલા સુરતમાં પાકને અંદાજે રૂા. 500 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.